<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ભાવનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ: પોણો ઇંચ પાણી પડતા ભરઉનાળે ચોમાસાનો માહોલ : વિદ્યાનગર અને કુમુદવાડી વિસ્તારમાં એક મકાનની ગેલેરી ધરાશાયી : સદનસીબે જાનહાની નથી

જિલ્લાના ઘોઘા પંથકમાં પણ બપોરે વરસાદી ઝાપટા પડ્યા : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ માવઠાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ ખેતી ક્ષેત્રે ખાસ કરીને કેરીના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા મુશળધાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરઉનાળે ગાજવીજ અને ભારે પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, શહેરમાં ૨૦.૨ મી.મી. વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની તીવ્રતા અને પવનના જોરને કારણે શહેરના વિદ્યાનગર અને કુમુદવાડી વિસ્તારમાં એક મકાનની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

​ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘોઘા પંથકમાં પણ બપોરે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ માવઠાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતી ક્ષેત્રે ખાસ કરીને કેરીના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે ભાવનગરનું મહત્તમ તાપમાન ૩૫.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા જેટલું ઊંચું રહ્યું હતું, જ્યારે ૨૬ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આમ, અચાનક આવેલા આ કમોસમી વરસાદે શહેરના જનજીવનને પ્રભાવિત કર્યું હતું.

(6:50 PM IST)