<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

કારનું ચીટીંગ કરનારા જામનગરના પિતા પુત્ર આઈજી સમક્ષ વ્‍યાજખોરોની ચુંગાલમાં ફસાયાની ફરિયાદ કરવા પહોંચ્‍યાઃ જોકે પોતેજ ચિટર સાબિત થયા

સતવારા પિતા પુત્રનું કાર ભાડેથી ચલાવવા માટે લઈ જઈ ચીટીંગ કર્યાનું મોટું કારસ્‍તાનઃ ૧૪ જેટલી ગાડીઓ ભાડેથી ફેરવવા માટે લીધા બાદ તમામ વાહનો ગીરવે મૂકીઃ આઠથી વધુ ગાડીઓ કબજે કરી લેવાઇઃ અંદાજે અડધા કરોડથી વધુનું ચીટીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૮: જામનગરમાં ગુણાતિતાનંદ નગરમાં રહેતા સતવારા પિતા પુત્ર કે જેઓ દ્વારા કાર ભાડેથી મેળવી લઈ મોટુ ચીટીંગ કર્યું હોવાનો મામલો સામે આવ્‍યો છે. અનેક લોકોની કાર ભાડેથી મેળવવા માટે લઈ ગયા બાદ છુંમંતર થયા હતા, અને રાજકોટમાં આઈજી સમક્ષ વ્‍યાજ વટાવની ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્‍યા હતા, પરંતુ તેઓ પોતે જ ચીટીંગ કરીને ભાગ્‍યા હોવાનું પોલીસને ધ્‍યાનમાં આવ્‍યું છે. જોકે પોલીસે જામનગરના ચાર વ્‍યાજખોરો સામે રૂપિયા ૨૧ લાખનું રાક્ષસી વ્‍યાજ વસૂલવા અંગે પણ ગુનો નોંધ્‍યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કારનું ચીટીંગ કરનાર સંજય રમણભાઈ નકુમ કે જે પોતાના પિતાને લઈ ને રાજકોટ પહોંચ્‍યો હતો, અને પોતે વ્‍યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે, અને છેલ્‍લા પાંચ મહિના ના સમયગાળા દરમિયાન પોતાની અલગ અલગ ભાડાનીકાર ગીરવે મૂકીને ૧૦ થી ૩૦ ટકા લેખે રકમ વ્‍યાજે મેળવી લીધા ની અને ૪૦ કોરા ચેક લખી આપ્‍યા  ઉપરાંત ૨૧ લાખ જેટલું રાક્ષસી વ્‍યાજ પણ ચૂકવી દીધાનું ફરિયાદમાં જણાવ્‍યું છે.

જામનગરના સિટી.સી. ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્‍ત ફરિયાદ ના આધારે જામનગરના ચાર વ્‍યાજખોરો દિવ્‍યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અને કરણસિંહ જાડેજા સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે, અને તેઓએ અલગ અલગ ૧૦ ટકા થી ૩૦  ટકા લેખે વ્‍યાજ વસુલ્‍યા ની,  જ્‍યારે અમુક રકમમાં દૈનિક વ્‍યાજ વસૂલ્‍યા નું પણ જણાવ્‍યું છે, અને કુલ ૨૧ લાખ જેવી રકમ વ્‍યાજના સ્‍વરૂપમાં પિતા પુત્ર એ ચૂકવી દીધા જણાવાયું છે, અને પોતાના ૪૦ કોરા ચેક લખાવી લીધા નું પણ ફરિયાદમાં જણાવ્‍યું છે. જે સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને વ્‍યાજખોરોને બોલાવીને તેઓની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

(10:54 AM IST)