<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

વિરપુરમાં રોકાણકારોના લાખો રૂપિયા ઓળવી જનાર ઠગ ટોળકી ત્રણ દિ'ના રીમાન્‍ડ ઉપર

બાઇક આપવાની અને વધુ વ્‍યાજની લાલચ આપી રોકાણકારોને ફસાવ્‍યા'તાઃ ભોગ બનનારાએ પોલીસનો સંપર્ક કરવા અપીલ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા. ૮ :.. વિરપુરમાં જય જલારામ માર્કેટીંગ અને જલારામ બચત મંડળીના નામે બાઇક આપવાની વધુ વ્‍યાજની લાલચ આપી રોકાણકારોનું ફુલેકું ફેરવનાર ટોળકીને પોલીસે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ ત્રણ દિ' ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

 વિરપુર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જય જલારામ માર્કેટીંગ, જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ અને “J.K. MM AUTO CONSULTANCY PVT. LTD.” જેવી સંસ્‍થાઓ ખોલી હતી. આરોપીઓ ગ્રાહકોને નીચે મુજબની લોભામણી લાલચો આપતા હતા.ઈનામી ડ્રો સ્‍કીમઃ દર મહિને રૂ. ૧૦૦૦ લેખે ૪૦ મહિના સુધી રૂ. ૪૦,૦૦૦ ભરાવી પાકતી મુદતે રૂ. ૫૦,૦૦૦ અથવા મોટરસાઈકલ આપવાની લાલચ આપતા હતા.દૈનિક બચત યોજનામાં રોજે-રોજ રૂ. ૧૦૦ થી ૫૦૦ જમા કરાવી તેના પર વાર્ષિક ૬ ટકા વ્‍યાજ આપવાની ખાતરી આપતા હતા.વીરપુર તેમજ આજુબાજુ ગ્રામ્‍ય વિસ્‍તારના રોકાણકારોએ વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ પાકતી મુદતે આરોપીઓએ રૂ. ૦૭,૦૫,૦૦૦ જેવી માતબર રકમ પરત ન કરી અંગત મોજશોખ માટે વાપરી નાખી છેતરપિંડી આચરી હતી. આ મામલે વિરપુર પોલીસ સ્‍ટેશનમાં IPC કલમ ૪૦૯, ૪૨૦, ૧૧૪ તથા જી.પી.આઈ.ડી. એક્‍ટ અને પ્રાઇસ ચીટ એક્‍ટ મુજબ ગુનો નોંધાયેલ છે જેમને લઈને એલ.સી.બી. પી.આઈ. વી.વી.ઓડેદરા, વિરપુર પી.આઈ.એસ.જી. રાઠોડ તથા હેડ કોન્‍સ્‍ટેબલ જીગ્નેશભાઇ ચૌહાણ, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઇ ચાચાપરા અને નિશાંતભાઈ પરમાર સહિતના સ્‍ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સની મદદથી (૧) વિપુલભાઈ ગોવિંદભાઇ મેવાડા, (૨) કરણભાઈ વિનોદભાઈ મેવાડા (ગુનાહિત ઈતિહાસ ધરાવે છે) (૩) જીવણભાઈ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા (જુગાર ધારાના ગુનામાં સંડોવાયેલ) (૪) ભૂપતભાઇ જાગાભાઈ બાંભવા (ચાઇલ્‍ડ લેબર એક્‍ટ હેઠળ ગુનો નોંધાયેલ છે) (૫) જલેવભાઈ ઉર્ફે જલો ભગાભાઈ ગમારા (૬) અનિલ રામજીભાઇ માટીયા (રહે. રાજકોટ) આરોપીઓને દબોચી લીધા હતા ત્‍યારબાદ વિરપુર પોલીસે તમામ આરોપીઓને સેશન્‍સ કોર્ટ રાજકોટમાં રજૂ કરી જી.પી.આઈડી અન્‍વયે કલમ હેઠળ નામદાર કોર્ટે ત્રણ દિવસના રીમાન્‍ડ મંજુર કરવામાં આવ્‍યા હતા.વીરપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરાય છે કે વિરપુર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.જી. રાઠોડ દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, કોઈપણ અવાસ્‍તવિક વળતર આપતી લોભામણી સ્‍કીમોમાં રોકાણ કરવું નહીં. જો કોઈ અન્‍ય નાગરિક આ ટોળકીની સ્‍કીમમાં ફસાયા હોય, તો તેમણે પુરાવા સાથે વિરપુર પોલીસ સ્‍ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૯૩૭૫ પર તાત્‍કાલિક સંપર્ક કરવો.

(12:22 PM IST)