<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મત એક નથી હોતા, સત એક જ હોય છેઃ પૂ. મોરારીબાપુ

દેવભૂમિ ઉતરાખંડમાં ‘માનસ વિષ્‍ણુ પ્રયાગ' શ્રીરામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ તા. ૮ :.. દેવભૂમિ ઉતરાખંડના વિષ્‍ણુપ્રયાગ તીર્થધામના વાયુમંડળમાં યુવાકિત થઇ રહેલી ‘માનસ વિષ્‍ણુપ્રયાગ' રામકથાના ચોથા દિવસના પ્રેમસંવાદમાં આગળ વધતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે, અતિ ભલું કે અતિ બુરાપણું ન સાંભળવું.  વિષયોથી દુર થવાની વાત નથી પણ વિષયોના વિલાસથી બચવાનું છે. મેં સ્‍વામી અખંડાનંદ સરસ્‍વતીજી પાસેથી ઉડિયા બાબા (જે એક મહાન સંત - તપસ્‍વી થઇ ગયા' વિશેનો એક પ્રસંગે વાંચેલો કે ઉડિયાબાબા વિષ્‍ણુપદ પામી ચુકેલા અને એ સર્વ સામાન્‍ય લોકોને પણ મંત્ર આપતા હતા. આટલી ઉંચાઇએ પહોંચેલા ઉડિયાબાબા, કાંસા વગાડતા અને કિર્તન કરતા. આ વાત કરપાત્રિજીના ગુરૂ (મને નામ યાદ નથી) ને ખબર પડી તો એણે ઉડિયા બાબાને બોલાવ્‍યા, ઉડિયાબાબા પોતાના ભકતોને લઇને એ સંત પાસે જાય છે. પૈલા કરપાત્રિજીના ગુરૂએ ઉડિયા બાબા પર ખૂબ ગુસ્‍સો કર્યો, અરે! ગાળો પણ આપી છે (બ્રહ્મલીન અખંડાનંદ સરસ્‍વતીજીએ લખ્‍યું છે) ઉડિયા બાબાને ખૂબ ગુસ્‍સો કરીને ન કહેવાનું કીધું ત્‍યારે ઉડિયા બાબાના સેવક-ભકતો પણ ઉકળી ઉઠયા અને ઉડિયા બાબાને કહ્યું કે, બાબા, આટલી હદે તમારું અપમાન? અમારાથી સહન નથી થતું, તમે કેમ કૈં જવાબ નથી આપતા ? ત્‍યારે ઉડિયાબાબા બોલ્‍યા... ભાઇ, એ મોટા છે, બોલે, આપણે સહન કરવાનું અને ઉડિયાબાબા કાંસા વગાડતા વગાડતા પાછા કિર્તન કરવા લાગ્‍યા! પછી તો એ સંત જે ઉડિયા બાબાને ગાળો દેતા હતાં એ નિર્વાણ પામ્‍યા. ઉડિયા બાબાને સમાચાર મળતા, સૌ સેવકો-ભકતો સાથે ફરી પાછા ત્‍યાં જાય છે અને ત્‍યાં જઇને કીર્તન-ભજન કરે છે. આ છે વિષયો ના વિલાસથી બચવું.

 વિષય નથી છોડવાનો વિષયનો વિલાસ છોડવાની વાત છે. ઉડિયાબાબા આપણને બે સૂત્રો આવે છે. (૧) કયારેય કોઇ અપેક્ષા ન રાખવો (ર) કોઇપણ ક્ષેત્રના મોટા માણસને કયારેય નિમંત્રણ ન આપવું. આ રીતે વિષયનાં વિલાસ વિશેની સમજ ઉડિયા બાબાએ આપી છે. તુલસીજીએ પણ માનસમાં ‘વિલાસ વિરાગ' ની વાત કરી છે.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, મને પાંચ દાદાઓ (જે દાદાગીરી વગરના દાદા છે) ખૂબ ગમે છે. (૧) વિષ્‍ણુદાદા (વિષ્‍ણુદેવાનંદગીરીજી મહારાજ-સંન્‍યાસી-મારા દાદાના ભાઇ), (ર) ત્રિભુવનદાદા (૩) ગોરદાદા (બ્રાહ્મણ), (૪) હનુમાન દાદા અને (પ) શંકરદાદા આ પાંચેય દાદા મારા માટે પંચ પ્રયાગ છે. માનસમાં તુલસીદાસજીએ વિષ્‍ણુના પંચ દર્શન કરાવ્‍યા છે.

વિષ્‍ણુ યોગપ્રધાન છે. જ્ઞાનપ્રધાન છે, ધ્‍યાન પ્રધાન છે, શ્રમ પ્રધાન છે અને સૌથી વિશેષનો વિષ્‍ણુ પ્રેમ પ્રધાન છે. એ નિરંતર પાલન કરે છે તમે જુઓ કે સર્જન-બાળક ગર્ભમાં હોય એ નવ મહિના જ ફકત લાગે છે. પણ એ બાળકનું પાલન આખી જીંદગી કરવાનું હોય છે. વિષ્‍ણુ પાલક છે. સર્જન કે, વિ. સર્જનમાં સમય નથી લાગતો પણ પાલનમાં સમય લાગે છે.

- મનોજ જોશી ‘મજો' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)

(3:12 PM IST)