<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

‘આપ'ના પૂર્વ નેતા રાજુ કરપડાની ભાજપમાં એન્‍ટ્રી

ખેડૂત આંદોલનથી ચિત્રમાં આવ્‍યા હતાઃ સુરેન્‍દ્રનગરથી ૧૦૦ જેટલી કારમાં સમર્થકો સાથે ગાંધીનગર જઇને કેસરીયો ધારણ કર્યો

તસ્‍વીરમાં રાજુ કરપડા ભાજપના આગેવાનો સાથે નજરે પડે છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯: સૌરાષ્‍ટ્રની રાજનીતિમાં ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજુ કરપડા પોતાના મોટી સંખ્‍યામાં સમર્થકો સાથે ગાંધીનગર સ્‍થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ' ખાતે પહોંચ્‍યા હતા, જ્‍યાં તેઓ વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો.

રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્‍યા બાદ ખેડૂતોના પ્રશ્નોને લઈને ‘કિસાન યાત્રા' યોજી હતી. તેમણે તુલસીશ્‍યામથી વિસાવદર સુધી પદયાત્રા કરીને ગ્રામીણ વિસ્‍તારોમાં પોતાની પકડ મજબૂત કરી હતી. હવે તેઓ ભાજપમાં જોડાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ભાજપ રાજુ કરપડાને સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. તેઓ મુળી બેઠક પરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્‍ટ્રમાં આપના ગઢમાં ગાબડું પાડીને ભાજપ હવે ગ્રામીણ વિસ્‍તારોમાં અને ખાસ કરીને કિસાન મતો અંકે કરવા માટે કરપડાને આગળ કરી રહી છે.

લાંબા સમય સુધી ખેડૂતો માટે લડત ચલાવનાર નેતા હવે સત્તાધારી પક્ષમાં જોડાતા સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે. રાજુ કરપડાના ભાજપમાં પ્રવેશથી સુરેન્‍દ્રનગર અને આસપાસના પંથકમાં ભાજપ વધુ મજબૂત બનશે તેવું રાજકીય વિશ્‍લેષકોનું માનવું છે.

રાજુ કરપડા ખેડૂતોના મુદ્દાઓ પર લાંબા સમયથી સક્રિય છે. તેઓ ગુજરાત ખેડૂત સંગઠન સાથે જોડાયા હતા અને સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા અને ચોટીલા બેઠક પરથી ઉમેદવાર પણ રહ્યા હતા. જોકે, ફેબ્રુઆરી ૨૦૨૬માં તેમણે AAP માંથી રાજીનામું આપી દીધું હતું.

AAP છોડયા પછી રાજુ કરપડા ખેડૂતોના હિત માટે સ્‍વતંત્ર રીતે કામ કરતા હતા. તેઓ કડદા પ્રથા સામેના આંદોલનમાં પણ આગેવાની કરી ચૂકયા છે. આગામી ચૂંટણીઓમાં તેઓ ભાજપ માટે પ્રચાર પણ કરશે તેવી અપેક્ષા છે.

આ ઘટનાને રાજકીય વર્તુળોમાં AAP માટે મોટો ફટકો ગણવામાં આવી રહ્યો છે, જ્‍યારે ભાજપ તરફથી આને પાર્ટીની વિસ્‍તારવાદી નીતિની સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજુ કરપડાના આ પગલાથી સુરેન્‍દ્રનગર અને આસપાસના વિસ્‍તારોના ખેડૂત સમુદાયમાં પણ ચર્ચા જોવા મળી રહી છે.

આ તકે ડો. ભરતભાઇ બોઘરા, ગોરધનભાઇ ઝડફીયા, અનિરૂધ્‍ધભાઇ દવે સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

(3:29 PM IST)