<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ટંકારા પાસે અકસ્‍માતમાં મોરબીની યુવતીનું મોતઃ ૧૩ દિ' પછી નિકાહ હતાને જનાજો ઉઠતા કલ્‍પાંત

જામનગરથી લગ્નની ખરીદી કરી પરિવાર પરત ફરતો'તોને હરીપર પાસે લાઇટમાં આંખ અંજાઇ જતા રીક્ષા બંધ ટ્રેકટર પાછળ ઘુસી ગઇ

રાજકોટ, તા., ૯ : ટંકારાના હીરાપર ગામ પાસે ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્‍માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. લગ્નની ખરીદી કરવા ગયેલા પરિવારની રિક્ષાને અકસ્‍માત નડતા ૧૮ વર્ષીય યુવતીનું મોત નીપજ્‍યું છે. જે દીકરીના ઘરેથી થોડા દિવસોમાં જાન વિદાય થવાની હતી ત્‍યાં આજે તેની અંતિમયાત્રા નીકળતા આખું વિસીપરા ગામ હિબકે ચડ્‍યું છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વિસીપરા વિસ્‍તારમાં રહેતા ગફૂરભાઈ (ઉ.વ. ૪૦) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી રેશ્‍મા (ઉ.વ. ૧૮) ના આગામી તારીખ ૨૨ ના રોજ નિકાહ હોવાથી, પરિવાર ખુશી-ખુશી જામનગર કપડાંની ખરીદી કરવા ગયો હતો.

મોડી સાંજે જ્‍યારે તેઓ રિક્ષા લઈને મોરબી પરત ફરી રહ્યા હતા ત્‍યારે હીરાપર ગામ પાસે સામેથી આવતા એક વાહનની લાઈટનો તેજ પ્રકાશ ગફૂરભાઈની આંખમાં પડ્‍યો હતો. આ અંજવાસને કારણે રસ્‍તા વચ્‍ચે પડેલું બંધ ટ્રેક્‍ટર ન દેખાતા રિક્ષા ધડાકાભેર તેની પાછળ ઘુસી ગઈ હતી.

આ ઘટનામાં ગફરુભાઈ સહિત તમામ ઇજાગ્રસ્‍ત થયા હતા જ્‍યારે ૧૮ વર્ષીય રેશ્‍માને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે અહીં ટૂંકી સારવારમાં જ તેણી એ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રેશ્‍મા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાની અને વહાલી હતી. માત્ર ૧૩ દિવસ પછી જે ઘરમાંથી દીકરીની ડોલી ઉઠવાની હતી, ત્‍યાં આજે માતમ છવાયો છે. પરિવારના સભ્‍યોના કરુણ આક્રંદથી હોસ્‍પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.ટંકારા પોલીસે આ મામલે હોસ્‍પિટલ પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

તસ્‍વીરમાં અકસ્‍માતમાં મોતને ભેટેલ યુવતીની તસ્‍વીર.

(11:54 AM IST)