<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામ પાસે આવેલી હાઇવે હોટલ માંથી મસમોટી વિજ ચોરી પકડાઈ

જામનગરની ચેકીંગ ટીમની તપાસ દરમિયાન હોટલમાં વિજ ચોરી પકડાઈ હોવાથી ૨૩ લાખ નું વિજ ચોરી નું બિલ ફટકારાયું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા ૯, જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂપિયા ૨૩ લાખથી વધુની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને હોટલ સંચાલક સામે વિજ પોલીસ મથક માં પાવર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ને ચોક્કસ માહિતી મળી હતી, કે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના પાટીયા નજીક આવેલી રાધે હોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયેલું નથી, તેમ છતાં તેમાં વીજ પ્રવાહ ચાલુ છે, જેથી ગઈકાલે રાત્રે ચેકિંગ ટુકડી હોટલ પર ત્રાટકી હતી.

 જે દરમિયાન હોટલમાંથી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને ૨૩,૦૨,૬૨૯.૧૬ પૈસા નું બિલ ફટકારવામાં આવ્યું છે, અને એક લાખ ચાલીસ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે.

(1:19 PM IST)