<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ભુજમાં જૈન સેવાભાવી વૃદ્ધની જાણીતી પેઢીના વ્યાપારીએ હત્યા કરતાં ચકચાર: રૂપિયાની લેતીદેતી કારણભૂત હોવાની ચર્ચા

રાહત ભાવે રાશન કીટ આપતાં સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના ૭૧ વર્ષીય રશ્મિભાઈ કનકલાલ શાહની તેમના ઘરમાં જ ભુજની જાણીતી વ્યાપારી પેઢીના નિલેશ હસમુખભાઈ શાહે હત્યા કરતા ખળભળાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯   ભુજમાં ગરીબ પરિવારોને રાહત ભાવે રાશન કીટ આપતાં સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના ૭૧ વર્ષીય વૃદ્ધ રશ્મિ ભાઈ કનકલાલ શાહની તેમના ઘરમાં જ હત્યા કરવાના બનાવે ચકચાર સર્જી છે. ચોકાવનારી હકીકત એ છે કે, હત્યા ભુજની જાણીતી વ્યાપારી પેઢીના નિલેશ હસમુખભાઈ શાહે કરી છે. ગત મોડી રાત્રે ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૪૮ વર્ષીય યુવાન વ્યાપારી નિલેશ હસમુખ શાહે જાતે જઈ ને કબૂલાત કરતાં પોલીસ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. પ્રમુખસ્વામીનગરમાં રહેતા વ્યાપારી નિલેશ શાહે કરેલી હત્યા પાછળનું કારણ શું એ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે, પૈસાની ઉઘરાણીની લેતીદેતીમાં આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાચી હકીકત પોલીસ તપાસમાં જ બહાર આવશે. મૃતક વૃદ્ધ એકાકી જીવન જીવતા હતા. લાશનું પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

(1:02 PM IST)