<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

મોરબી મહાપાલિકાએ વેરા વસુલાતમાં સર્જ્યો રેકોર્ડ, અધધધ રૂ.41.84 કરોડની આવક

સતત ઝુંબેશરૂપે કામગીરીને કારણે ગત વર્ષની તુલનાએ રૂ.17.41 કરોડની વધુ આવક: શહેરી વિસ્તારના 39,806 અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારના 17,325 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ સતત. બીજા વર્ષમાં વેરા વસુલાતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. નાણાકીય વર્ષ 2025 - 26માં કર વસૂલાતમાં કોર્પોરેશને ઇતિહાસ રચ્યો છે અને અત્યાર સુધીની સૌથી વધુ રૂ.41.84 કરોડની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. ગત વર્ષ કોર્પોરેશને વર્ષ 2024 - 25માં રૂ.24.43 કરોડની આવક સામે આ વર્ષે રૂ.17.41 કરોડનો વધારો થયો છે.કોર્પોરેશનની વેરા વસુલાતની કુલ આવકમાં હાઉસ ટેક્સના રૂ.38.17 કરોડ અને વ્યવસાય વેરો એટલે કે, પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 3.67 કરોડનો સમાવેશ થાય છે.

      મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિક ભંડોળને વધુ મજબૂત કરવા ટેક્સની આવક વધારવા પ્રયાસો શરૂ કરી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઝુંબેશરૂપે કામગીરી કરવાની સૂચના આપી કડક ઉઘરાણી ચાલુ રાખતા વર્ષ 2025 - 26માં મોરબી શહેરી વિસ્તારના 39,806 અને ગ્રામ્ય વિસ્તારના 17,325 મિલકત ધારકોએ પ્રમાણિક પણે ટેક્સ ભરપાઈ કર્યો હતો. જેને પરિણામે વહીવટી તંત્રને વેરા વસુલાત પેટે રૂ.41.84 કરોડની આવક નોંધાઈ હતી. પ્રમાણિક કરદાતાઓ માટે સપ્ટેમ્બેર મહિના સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધારાનું બે ટકા રિબેટ આપીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપવામાં આવતા મહાનગર પાલિકાને આ વર્ષે વિક્રમી આવક નોંધાઇ હતી

(12:12 AM IST)