તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ભુજના જૈન સમાજમાં ખળભળાટ સર્જનાર જૈન વૃદ્ધની હત્યાના બનાવમાં વ્યાપારી નીલેશ શાહે સીસી ટીવીના ડીવીઆરને હમીરસર તળાવમાં ફેંકી દીધું
મેટલની પાણીની બોટલ અને દસ્તો ફટકારી હત્યા નીપજાવી, ભુજની વર્ષો જૂની ખેંગારજી ઇન્દરજીની પેઢીના હસમુખ શાહનો પુત્ર નીલેશ હાલમાં પ્રમુખસ્વામીનગરમાં ભાગ્યલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો જે દુકાન હાલમાં જ બંધ થઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ભુજના જૈન સમાજ અને વ્યાપારી આલમમાં ખળભળાટ સર્જતા હત્યાના બનાવમાં આરોપીએ કરેલ ખુલાસા અનુસાર રૂપિયાની લેતીદેતીના કારણે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ તેણે પાણીની બોટલ અને માથામાં દસ્તો મારી હત્યા નીપજાવી હતી. મૃત્યુ પામનારા ૭૧ વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ પોતે સેવાભાવી ટ્રસ્ટ ચલાવતા હતા અને ૫૦૦ રૂપિયામાં જરૂરતમંદ પરિવારોને રાશનની કીટ આપતા હતા. તેમને રાશન આપનાર નીલેશ હસમુખ શાહ પોતાની ઉઘરાણી માટે આવ્યો હતો અને બોલાચાલી બાદ ઉશ્કેરાઈ નીલેશે સેવાભાવી વૃદ્ધ રશ્મિકુમારને ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે, રાત્રે ૧૦/૩૦ થી ૧૧ વાગ્યા વચ્ચે હત્યા કરી નીલેશ રાત્રે ૨ વાગ્યા બાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને સામેથી હાજર થયો હતો. નાસી છૂટ્યા બાદ નીલેશ એ સીસી ટીવી ડીવીઆરને ભુજના હમીરસર તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી. પોલીસે મૃતકના ભાઈ પંકજભાઈની ફરિયાદ લઈ આરોપી નીલેશ હસમુખ શાહ વિરુદ્ધ હત્યાની કલમો તળે ગુનો દાખલ કર્યો છે અને પુરાવાઓ શોધવા છાનબીન હાથ ધરી છે. જૈન સમાજ અને વ્યાપારી આલમમાં ચકચાર સર્જનાર આ બનાવમાં સંડોવાયેલ આરોપી નીલેશ વર્ષો જૂની ભુજની જાણીતી પેઢી શાહ ખેંગારજી ઈન્દ્રજીના હસમુખ શાહનો પુત્ર છે. જોકે, હાલ તે અલગ થઈ ભુજના પ્રમુખસ્વામીનગરમાં ભાગ્યલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો જે દુકાન પણ તાજેતરમાં જ બંધ થઈ છે. ચર્ચા મુજબ પોતાની ૭ થી ૮ લાખ રૂપિયાની ઉઘરાણી માટે નીલેશ મૃતક રશ્મિકુમાર પાસે ગયો હતો જ્યાં બોલાચાલીમાં તેના હાથે હત્યાનો આ બનાવ બન્યો હતો. દરમ્યાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
