તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ભોજનાલય માટે અનંત અંબાણીનું પ કરોડનું દાન શિવાર્પણ
આગામી ૧ વર્ષ સુધી ભોજનાલયમાં ભોજન-પ્રસાદ માટે ઉપયોગમાં લેવાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૦ઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા એકિઝક્યુટિવ ડિરેકટર શ્રી અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણે આસ્થા અને સેવાનું અનોખું શિવાર્પણ કર્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની પ્રસાદ સેવા અર્થે તેમણે રૃા. ૫ કરોડની રકમનું માતબર દાન અર્પણ કર્યું છે.
શ્રી અનંતભાઈ અંબાણીની સોમનાથ મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થા સર્વવિદિત છે. નોંધનીય છે કે, તેમણે અગાઉ ચાલુ વર્ષના પ્રારંભે પણ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી રૃા. ૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું. ત્યારે આજે ૦૯ એપ્રિલના રોજ તેમણે ફરી પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ દાદાના ભકતોની સેવા કરવાના ઉમદા હેતુ સાથે રૃા. ૫ કરોડનું દાન શિવાર્પણ કર્યું છે. આ યોગદાનનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓમાંથી કોઈ પણ ભકત ભૂખ્યો ન રહે તે ઉત્કૃષ્ટ પ્રકલ્પને સિદ્ધ કરવાનો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં આગામી ૧ વર્ષ સુધી આવનારા ભકતોને ભોજન પ્રસાદ કરાવવા માટે આ રૃા. ૫ કરોડની રાશિનો ઉપયોગ કરાશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે અનેકવિધ સેવા પ્રકલ્પો ચલાવવામાં આવે છે, જેમાં 'નિશુલ્ક ભોજનાલય' એક પાયાની અને અત્યંત મહત્વની સેવા છે. શ્રી અનંતભાઈ અંબાણીનું આ દાન લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા પ્રત્યેની તેમની સંવેદનશીલતાનું પ્રતીક છે. વિશેષ રૃપે શ્રી અનંતભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને સાયમ વિશેષ શૃંગાર પૂજા સહિતની પૂજા અર્પણ કરવામાં આવી હતી. તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
