News of Friday, 10th April 2026
જામનગરમાં શારીરિક અને માનસિક રોગોમાંથી મુક્તિ અપાવતી‘નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર'નો આજ થી ભવ્ય પ્રારંભ
પરમપૂજ્ય આલયજીની વિશેષ ઉપસ્થિતિઃ વિશ્વભરમાં ૧૦,૦૦૦થી વધુ સફળ શિબિરો બાદ જામનગરમાં પ્રથમ વખત આયોજન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ તા ૧૦, અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર અને આણંદ જેવા શહેરોમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા બાદ, જામનગરમાં પહેલી વાર સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા ‘નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આંગણે સૌપ્રથમ વખત યોજાવા જઈ રહેલી આ શિબિર આવતીકાલથી ઓશવાળ સેન્ટર ખાતે શરૂ થશે.
આ શિબિર માત્ર કોઈ પ્રવચન નથી, પરંતુ સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનના સચોટ પ્રયોગો પર આધારિત છે. કુલ ૧૦ સત્રોમાં વિભાજિત આ શિબિરમાં ૧૧ થી ૧૩ એપ્રિલ દરમિયાન સવારે ૬ થી ૮ વાગ્યા સુધી ભૌતિક શરીરની શક્તિઓને વિકસિત કરવા માટેના પ્રયોગો પરમ મિત્ર દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ ૧૪ થી ૧૬ એપ્રિલ દરમિયાન પૂજ્ય પરમ આલયજીની દિવ્ય ઉપસ્થિતિમાં મનની શક્તિઓને જાગળત કરવા માટેના (માઈન્ડ એવોકેનિંગ) વિશેષ સત્રો યોજાશે, જેમાં અચેતન અને સુપર-કોન્શિયસ મનને જાગળત કરવાના સરળ પ્રયોગો શીખવવામાં આવશે.
આ ભવ્ય આયોજનને સ્થાનિક અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય મહાનુભાવોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે. રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી ઉપરાંત જામનગરના અનેક જાણીતા વેપારીઓ ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાના આગેવાનો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રયોજક તરીકે જોડાયા છે.
મુખ્ય પ્રાયોજક ફેડરેશન ઓફ જામનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રમુખ સંજયભાઈ ડોબરીયા, મુખ્ય આયોજક અગ્રણી ઉદ્યોગપતિ અતુલભાઈ કાછડીયા, શોષ્યલ એક્ટિવિષ્ટ આશાબેન કાછડીયા, વિગોર પ્લાસ્ટ ના જયેશભાઇ કથીરિયા, મનોજભાઈ વેકરીયા સહિત અન્ય કમિટી સહયોગીઓ દાતાશ્રીઓ સહીત પોતાની સેવાઓ આપી રહ્યા છે. ૧૦ એપ્રિલના રોજ સવારે ૬ વાગ્યે પ્રિપેરેશન મીટનું પણ આયોજન કરાયું છે, જેમાં શિબિરમાં આવતા પહેલાની તૈયારીઓ અને નિયમોની સમજ આપવામાં આવશે. નગરજનો માટે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગળતિનો આ એક અનોખો સંગમ બની રહેશે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
