<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ધ્રોલ તાલુકા પંચાયત ચૂંટણીનો મહાસંગ્રામઃ લતીપર-ખારવા જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને ‘આપ'વચ્‍ચે ખરાખરીનો ત્રિપાંખિયો જંગ : કોણ ડૂબશે, કોણ તરશે?

ધ્રોલ તાલુકાના ૪૩૨૬૪ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે

(સંજય ડાંગર દ્વારા ધ્રોલ, તા.૧૦: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ સંપૂર્ણપણે ગરમાયો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને લગતા સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવતાની સાથે જ રાજકીય પક્ષોમાં દોડધામ વધી ગઈ છે. ધ્રોલ તાલુકામાં આ વખતે બે જિલ્લા પંચાયત બેઠકોラલતીપર અને ખારવાラતેમજ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પર સત્તાનું સિંહાસન મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્‍ચે જોરદાર જંગ ખેલાવા જઈ રહ્યો છે.

ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ધ્રોલ તાલુકામાં કુલ ૪૩,૨૬૪ મતદારો નોંધાયા છે, જે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. જેમાં ૨૨,૧૩૧ પુરૂષ અને ૨૧,૧૩૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કુલ ૬૨ મતદાન મથકો નક્કી કરવામાં આવ્‍યા છે, જ્‍યાં ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગત ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો, ધ્રોલ તાલુકા પર ભારતીય જનતા પાર્ટીનું સ્‍પષ્ટ વર્ચસ્‍વ જોવા મળ્‍યું હતું. ગત વખતે ખારવા જિલ્લા પંચાયત અને લતીપર જિલ્લા પંચાયત એમ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્‍યા હતા. તેવી જ રીતે, તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો પર ભવ્‍ય વિજય મેળવી સત્તા કબજે કરી હતી, જ્‍યારે કોંગ્રેસના ફાળે માત્ર ૩ બેઠકો આવી હતી.

જોકે, આ વખતનો જંગ અગાઉની સરખામણીએ ઘણો અલગ અને પડકારજનક માનવામાં આવી રહ્યો છે. અત્‍યાર સુધી અહીં મુખ્‍યત્‍વે ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધો મુકાબલો રહેતો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઝંપલાવતા ‘ત્રિપાંખિયો જંગ' જામ્‍યો છે. ભાજપ પોતાનો ગઢ સાચવવા મથી રહ્યો છે, તો કોંગ્રેસ ગુમાવેલી સત્તા પરત મેળવવા ખેડૂતો અને સ્‍થાનિક પ્રશ્નોને હથિયાર બનાવી રહી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી પરિવર્તનના નામે મતોમાં ગાબડું પાડવા સક્રિય બની છે. ૪૩ હજારથી વધુ મતદારો કોને સત્તાના સિંહાસને બેસાડે છે અને આ ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે, તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો લતીપર અને ખારવા બેઠક સહિત સમગ્ર તાલુકામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્‍યો છે.

(1:26 PM IST)