News of Friday, 10th April 2026
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં સજા- પકડ વોરંટનો નાસી ગયેલો આરોપી ઝડપાયો
શખ્સ સામે ચેક પરતના એક કેસમાં સજાનું વોરંટ અને અન્ય બે કેસમાં પકડ વોરંટ ઈસ્યુ થયેલા

જામનગર: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક શખસ સામે જામનગર તેમજ ગાંધીધામમાં દારૂબંધી ભંગના ગુન્હા નોંધાયેલા હતા.આ શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી અને બે પકડ વોરંટ ઈસ્યુ થયા પછી ફરાર હતો.આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૪માં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા ઉર્ફે પવી નામના શખ્સ સામે જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગનો એક ગુન્હો તેમજ ગયા વર્ષે કચ્છના ગાંધીધામમાં પણ દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયેલો છે. તે ઉપરાંત આ શખ્સ સામે ચેક પરતના એક કેસમાં સજાનું વોરંટ અને અન્ય બે કેસમાં પકડ વોરંટ ઈસ્યુ થયેલા છે.
આ શખ્સ ભાગતો ફરતો હતો. તેને પકડવા માટે સિટી એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયાએ આપેલી સૂચનાના પગલે ગઈકાલે પ્રવીણ લક્ષ્મીદાસ ગજરાને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ અગાઉ પણ દારૂબંધી ભંગના ગુન્હામાં અને મારામારીના ગુન્હામાં ઝડપાયો હતો.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
