<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

જામનગર જિલ્લાના નવાગામ ખાતે ભવ્ય શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા રામચરિતમાનસ કથાનું આયોજન

કથાના અંતર્ગત વિવિધ પ્રસંગો જેમ કે શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, રામ વનવાસ, સેતુબંધ અને રામ રાજ્યાભિષેક જેવા પાવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે

જામનગર :જામનગર તાલુકાના નવાગામ ખાતે શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે ભવ્ય ધાર્મિક આયોજનરૂપે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા શ્રી રામચરિતમાનસ રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ તા. ૯.૪.૨૦૨૬(ચૈત્ર વદ ૭) ના શુભ દિવસે પ્રારંભ પામ્યો છે અને તા. ૧૭.૪૨૦૨૬ (ચૈત્ર વદ ૧૫) ના રોજ પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થશે.
આ કથાનું સંગીતમય રસપાન રાજકોટની પૂજ્ય દિદી શ્રી પુનમબા (મા) દ્વારા કરાવવામાં આવી રહ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદનો અમૂલ્ય અનુભવ કરાવશે.
કથાના રોજિંદા કાર્યક્રમ મુજબ બપોરે અંદાજે ૩.૦૦ વાગ્યાથી કથાનું આયોજન રાખવામાં આવેલ છે તેમજ દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન છે.
આ કથાના અંતર્ગત વિવિધ પ્રસંગો જેમ કે શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, રામ વનવાસ, સેતુબંધ અને રામ રાજ્યાભિષેક જેવા પાવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે.
તા. ૯.૪.૨૦૨૬ ના રોજ બપોરે ૧.૦૦ વાગ્યે ગંભીરસિંહ દિપસિંહ સોઢા પરિવારના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સંત-મહંતો તથા આગેવાનોની પધરામણી રહેશે, જેમાં મહંત શ્રી અમરગીરીબાપુ, કલ્યાણનાથ બાપુ, શિવનાથ બાપુ સહિત અનેક પૂજ્ય સંતો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.
આ આયોજન બાપા સીતારામ યુવા મંડળ, નવાગામ – જામનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ શ્રીમતી મીનાબા રણજીતસિંહ ઝાલા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આથી સર્વે રામભક્તોને આ પાવન કથામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(7:51 PM IST)