<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ધ્રોલમાં પક્ષોએ પત્તા ખોલ્‍યાઃ ૨ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં!

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા.૧૧,  તાલુકામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને લઈ લાંબા સમયથી ચાલી રહેલી આતુરતા અને અટકળોનો આખરે અંત આવ્‍યો છે. ધ્રોલ તાલુકાની અત્‍યંત મહત્‍વની અને પ્રતિષ્ઠાભરી ગણાતી જિલ્લા પંચાયત બેઠકો તેમજ તાલુકા પંચાયતની તમામ બેઠકો માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

ધ્રોલની ખારવા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રંજનબેન ડી.ડી. જીવાણીના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. જેની સામે કોંગ્રેસે આશાબા લખધીરસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે, તો આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક માટે દક્ષાબા વેલુભા જાડેજાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્‍યા છે. બીજી તરફ, લતીપર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ તરફથી કલ્‍પેશભાઈ માલાણી નસીબ અજમાવશે, જેની સામે કોંગ્રેસે અજીતસિંહ અનુભા જાડેજા અને આમ આદમી પાર્ટીએ મનસુખભાઈ રામાણીને મેદાનમાં ઉતારી ચૂંટણી જંગને રસઙ્ઘદ બનાવી દીધો છે.

માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ આ બંને જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પર પણ ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. આ તમામ ૧૬ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય મુખ્‍ય પક્ષોએ તમામ ૧૬ બેઠકો પર ઉમેદવારી નોંધાવતા ધ્રોલ તાલુકામાં આ વખતે ત્રિપાંખિયો અને ભારે રસાકસીભર્યો જંગ જોવા મળશે. તમામ પક્ષોના ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને હવે ગામડેપ્રગામડે પ્રચારનો ધમધમાટ શરૂ થશે. હવે જોવાનું એ રહેશે કે ધ્રોલ તાલુકાની જનતા વિકાસ, પરિવર્તન અને સ્‍થાનિક મુદ્દાઓ વચ્‍ચે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.

(1:24 PM IST)