News of Saturday, 11th April 2026
લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ લડશે ચૂંટણી: ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી
ભાજપે જાણીતા સિંગર રાજલ બાંભણીયાને આપી ટિકિટ :ઉનાના સ્થાનિક રાજકારણમાં ગાયિકાની એન્ટ્રીથી ચર્ચાઓ તેજ

ગુજરાતી લોક સંગીત ક્ષેત્રે જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ (હાલ રાજલ બાંભણીયા) હવે રાજકારણના મેદાનમાં ઉતર્યા છે. ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે આ લોકપ્રિય ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
રાજલ બારોટ (હાલ રાજલ બાંભણીયા) ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આજે સવારે 11 વાગ્યે તેઓ વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે. તેમની આ એન્ટ્રીથી ઉનાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચાહકોમાં પણ ભારે ઉત્સાહ છે.
ઉનાના સ્થાનિક રાજકારણમાં ગાયિકાની એન્ટ્રીથી અત્યારે સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે.જો કે ભાજપે માત્ર ઉનામાં જ નહીં, પણ ગુજરાતભરમાં જ્યાં જે-તે કલાકારનો પ્રભાવ છે ત્યાં તેમને મેદાને ઉતારવાની રણનીતિ અપનાવી છે. રાજલ બાંભણીયાના લાખો ચાહકો છે અને સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ભાજપ આ લોકપ્રિયતાને મતમાં બદલવા માંગે છે.
ગુજરાતી લોક સંગીત ક્ષેત્રે જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા સ્વ. મણિરાજ બારોટની પુત્રી એટલે રાજલ બારોટ (હાલ રાજલ બાંભણીયા). રાજલનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. તેમનું જીવન સંઘર્ષ અને સફળતાની એક અનોખી કહાની છે.તેઓ મૂળ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાલવા ગામના વતની છે .રાજલ બારોટ ખાસ કરીને તેમના ગરબા, ભજન અને લોકગીતો માટે જાણીતા છે. રાજલ બારોટે ફેબ્રુઆરી 2025માં ઉનાના યુવા નેતા અને સમાજસેવક અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા છે.
રાજલ બાંભણીયા (રાજલ બારોટ) ને ત્રણ બહેનો છે. મેઘલ બારોટ (મોટી બહેન), હીરલ બારોટ અને તેજલ બારોટ. પિતાના અવસાન બાદ રાજલ અને તેની બહેનોએ એકબીજાનો સાથ આપીને જીવનનો સંઘર્ષ પાર પાડ્યો છે. પિતાના અવસાન બાદ નાની ઉંમરે જ તેમણે પોતાના પરિવાર અને બહેનોની જવાબદારી સંભાળવાની સાથે સંગીત વારસાને આગળ ધપાવ્યો હતો.
તેમણે વર્ષ 2009 થી સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.રાજલ બારોટ તેમના સ્ટેજ પર્ફોર્મન્સ અને "ડાયરા" માટે ખૂબ જાણીતા છે, જેના કારણે તેમને 'ડાયરા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમના ગરબા અને નવરાત્રીના કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
