<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

અમરેલીના ચૂંટણી મેદાનમાં ‘ડાયરા’ની રમઝટ જેવો માહોલ: માયાભાઈ આહીરની પુત્રી સોનલબેન ડેરની રાજનીતિમાં એન્ટ્રી, ભાજપે ચાંવડ બેઠક પર ખેલ્યો મોટો દાવ!

વારસદારોનો દબદબો: લોકસાહિત્યના માંડવેથી હવે પંચાયતના આંગણે, સાસરી અને પિયર પક્ષના રાજકીય વારસા સાથે સોનલબેન ડેર મેદાનમાં, શક્તિ પ્રદર્શન સાથે ભર્યંર ફોર્મ

અમરેલી,: અમરેલી જિલ્લાના રાજકારણમાં આજે એક નવો વળાંક આવ્યો છે. ગુજરાતના લોકપ્રિય અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલબેન ડેરે સત્તાવાર રીતે રાજકારણમાં પદાર્પણ કર્યું છે. ભાજપ દ્વારા તેમને અમરેલી જિલ્લા પંચાયતની લાઠી તાલુકાની મહત્વની ગણાતી ચાંવડ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સોનલબેને કેસરિયો ધારણ કરી ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
સાસરી અને પિયર બંને પક્ષે રાજકીય પીઠબળ
સોનલબેન ડેર માત્ર માયાભાઈ આહીરના પુત્રી છે એટલું જ નહીં, પરંતુ તેમનો સાસરી પક્ષ પણ રાજકારણમાં મોટું કદ ધરાવે છે. તેમના લગ્ન અમરેલી જિલ્લા ભાજપના પીઢ નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર સાથે થયા છે. ઉલ્લેખનીય છે કે, જીતુભાઈના પત્ની અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. આમ, સોનલબેનને પિયર પક્ષે માયાભાઈ આહીરની લોકપ્રિયતા અને સાસરી પક્ષે ડેર પરિવારનો મજબૂત રાજકીય અનુભવ બંનેનો સાથ મળી રહ્યો છે.
દિગ્ગજ નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન
આજે જ્યારે સોનલબેન ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ભાજપના મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોના ભારે ઉત્સાહ વચ્ચે સોનલબેને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, "પક્ષે મારા પર જે ભરોસો મૂક્યો છે તે બદલ હું આભારી છું અને મને ખાતરી છે કે ચાંવડની જનતા અમને જંગી બહુમતીથી વિજયી બનાવશે."
વિવાદો વચ્ચે નવી શરૂઆત
થોડા સમય પૂર્વે માયાભાઈ આહીરનો પરિવાર બગદાણામાં થયેલા એક હુમલાના કેસને લઈને ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેમના પુત્ર જયરાજ આહીરની મુશ્કેલીઓ વધી હતી. જોકે, એ તમામ વિવાદોને પાછળ છોડીને હવે માયાભાઈની પુત્રીએ સીધી ચૂંટણી જંગમાં એન્ટ્રી લેતા આ બેઠક પર સૌની મીટ મંડાણી છે. ભાજપ દ્વારા આહીર કાર્ડ અને સેલિબ્રિટી ફેક્ટરનો ઉપયોગ કરીને આ બેઠક અંકે કરવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે લોક ડાયરામાં પિતાને મળતો પ્રેમ પુત્રીને ચૂંટણીના મતમાં કેટલો પરિવર્તિત થાય છે!

(6:39 PM IST)