<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

સાસણગીરના જાણીતા રિસોર્ટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : સૌરાષ્ટ્રના સાત સોની વેપારીઓ ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર

'ગીર પ્રાઇડ રિસોર્ટ' માં રૂમ ભાડે રાખી જુગાર રમતા રાજકોટ-ગોંડલના સાત વેપારીઓ ઝડપાયા : હાઈપ્રોફાઈલ જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી

જૂનાગઢના સાસણગીર વિસ્તારમાં શાંતિ અને પ્રકૃતિની વચ્ચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. એક પ્રતિષ્ઠિત રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને ચાલતા જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી ત્રાટકી હતી. આ દરોડામાં સૌરાષ્ટ્રના જાણીતા સોની વેપારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

જૂનાગઢના પ્રવાસન ધામ એવા સાસણગીરના રિસોર્ટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાસણગીરના 'ગીર પ્રાઇડ રિસોર્ટ' માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને કેટલાક શખ્સો મોટા પાયે જુગાર રમી રહ્યા હતા. આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર ગોંડલનો સોની વેપારી સંજય હસમુખભાઈ વડનગરા હોવાનું બહાર આવ્યું છે, જેણે ખાસ જુગાર રમવા અને રમાડવા માટે રિસોર્ટમાં વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસની આ રેડમાં કુલ 7 આરોપીઓ રંગેહાથ ઝડપાયા છે, જે તમામ વ્યવસાયે સોની કામ સાથે જોડાયેલા છે અને ગોંડલ તેમજ રાજકોટના રહેવાસી છે.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ 13,52,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 42,340 રૂપિયાની રોકડ રકમ, 7 મોંઘાદાટ મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે વપરાયેલી 2 લક્ઝુરિયસ ફોરવીલ કારનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંજયભાઈ વડનગરા (ગોંડલ), રોહિત રાજપરા (ગોંડલ), મનોજભાઈ રાજપરા (રાજકોટ), જીગ્નેશભાઈ રાજપરા (ગોંડલ), હિતેષભાઈ કાતરોળીયા (રાજકોટ), તુષારભાઈ લાઠીગરા (ગોંડલ) અને નિલેશભાઈ કાતરોળીયા (રાજકોટ) નો સમાવેશ થાય છે. આ તમામ વેપારીઓ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવે છે અને રજાઓના બહાને રિસોર્ટમાં આવીને આવી પ્રવૃત્તિઓ કરતા હતા.

આ કાર્યવાહીથી સાસણગીરના અન્ય રિસોર્ટ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે સાસણગીર પ્રકૃતિપ્રેમીઓ માટે જાણીતું છે, પરંતુ હવે ગુનેગારો આવા શાંત વિસ્તારોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા હોવાનું સામે આવતા પોલીસ સતર્ક બની છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ અગાઉ પણ અહીં કેટલી વાર આ રીતે જુગાર રમાડવામાં આવ્યો હતો અને રિસોર્ટ માલિકની આમાં શું ભૂમિકા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

(5:20 PM IST)