<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

મહુવાના ઉમણીયાવદર ગામે નેશનલ હાઈવે પર 'કટ' નહિ આપવાના વિરોધમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો

હાઈવે પરની આ ખામીને કારણે લોકોને ૩ કિમીનો ફેરો કરવો પડે છે વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા, રોષે ભરાયેલા ગ્રામજનોએ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામના ગ્રામજનોએ આજે એક સૂરે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો સખત નિર્ણય લીધો છે. આ ગામના મતદારો જિલ્લા પંચાયતની નેસવડ બેઠક હેઠળ મતદાન કરે છે, પરંતુ લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલના અભાવે આ વખતે મતદાન મથકો ખાલી જોવા મળ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ રોગ સાઈડમાં અવર-જવર કરવી પડે છે.

સ્થાનિકોની મુખ્ય ફરિયાદ નેશનલ હાઈવે પર યોગ્ય રસ્તો ઓળંગવાની સુવિધા ન હોવા અંગેની છે. ગામના પ્રવેશદ્વાર પાસે હાઈવે ઓથોરિટી દ્વારા કટ આપવામાં આવ્યો નથી. આ ખામીને કારણે ઉમણીયાવદરના લોકોને મહુવા શહેર જવા માટે વધારાના ત્રણ કિલોમીટર સુધીનો લાંબો ફેરો કરવો પડે છે. આ સમસ્યા માત્ર અંતરની જ નથી, પણ અકસ્માતોની દહેશત પણ સતત રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર યોગ્ય કટ ન હોવાથી વાહનોને રોંગ સાઈડમાં ચલાવવાની ફરજ પડે છે, જેના કારણે અત્યાર સુધીમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, પરંતુ સત્તાધિશો અને હાઈવે વિભાગના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે. લોકશાહીમાં મતદાન એ સૌથી મોટું શસ્ત્ર છે, તેથી તંત્રનું ધ્યાન ખેંચવા માટે લોકોએ આ આક્રમક માર્ગ અપનાવ્યો છે. જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મતદાન ન કરવાની મક્કમતા સ્થાનિકોએ દર્શાવી છે.

(6:15 PM IST)