News of Sunday, 12th April 2026
જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો
જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં જ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું :'આપ'ના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા સમીકરણો બદલાયા :જૂના કાર્યકરોમાં રોષ: હીરાભાઈ જોટવાએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ચૂંટણીઓ માટે ટિકિટ નહીં મળતા નારાજ થયેલા કાર્યકરોએ કાર્યાલયમાં જ હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ એટલો વણસ્યો હતો કે કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પક્ષ દ્વારા લેવાયેલા ટિકિટ વહેંચણીના નિર્ણય સામે કાર્યકરોએ ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે જિલ્લા પ્રમુખ અમિત પટેલ કાર્યાલયમાં હાજર હતા. તેમની હાજરીમાં જ કાર્યકરોએ ટિકિટના અન્યાય મુદ્દે રજૂઆત કરી હતી, જે બાદમાં ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. સ્થિતિને ગંભીર બનતી જોઈ કોંગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવાએ દરમિયાનગીરી કરી હતી. તેમણે મામલો થાળે પાડવા અને નારાજ કાર્યકરોને સમજાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ કાર્યકરો પોતાની માગ પર અડગ રહ્યા હતા.
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ 'આપ' ના હોદ્દેદારોનું કોંગ્રેસમાં જોડાણ હોવાનું માનવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે આ દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તુરંત જ જૂના કાર્યકરો અને નવા જોડાયેલા સભ્યો વચ્ચે ટિકિટના સમીકરણોને લઈને વિવાદ ફાટી નીકળ્યો હતો.
ચૂંટણી પહેલા જ જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક નારાજગી સપાટી પર આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોને અવગણીને અન્ય પક્ષમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં જૂથબંધી તેજ બની છે. આ ઘટનાએ પક્ષની શિસ્ત પર પણ સવાલો ઉભા કર્યા છે. જો સમયસર આ વિવાદ ઉકેલવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીના પરિણામો પર તેની માઠી અસર પડી શકે છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
