<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા ભાવનગરના વાળંદ સમાજમાં રોષ

વોર્ડ નં. ૧૧ માં બહુમતી ધરાવતા સમાજનું અપમાન ભારે પડશે? સિવિલ એન્‍જિનિયર અને જ્ઞાતિ પ્રમુખની ટિકિટ કપાતા ચર્ચાનો દોર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩: ભાજપ દ્વારા વોર્ડ નંબર ૧૧ માટે ચાર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્‍યા હતા. જેમાં  ગોહિલવાડ વાળંદ જ્ઞાતિના પ્રમુખ અને વ્‍યવસાયે સિવિલ એન્‍જિનિયર  પરેશભાઈ ચૌહાણના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એક નિષ્ઠાવાન, શિક્ષિત અને સમાજમાં લોકપ્રિય એવા યુવા ચહેરાની પસંદગી થતા વાળંદ સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ હતી જોકે, આ ખુશી લાંબો સમય ટકી ન હતી. મોડી રાત્રે અકળ કારણોસર હાઈકમાન્‍ડ દ્વારા પરેશભાઈની ટિકિટ રદ કરી અન્‍ય ઉમેદવારને ફાળવી દેવામાં આવતા આશ્‍ચર્ય સાથે રોષ જોવા મળ્‍યો હતો.

નોંધનીય છે કે, જે વોર્ડમાં ભાજપે ટિકિટ ફાળવીને પરત ખેંચી છે, તે વોર્ડ નંબર ૧૧ માં વાળંદ સમાજની બહુમતી છે. આ વિસ્‍તારમાં સમાજના મતદારો નિર્ણાયક સંખ્‍યામાં છે અને કોઈપણ પક્ષની હાર-જીત નક્કી કરવાની ક્ષમતા ધરાવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આ વોર્ડમાં વાળંદ સમાજનું પ્રતિનિધિત્‍વ જળવાઈ રહ્યું છે અને ભૂતકાળમાં તો ભાવનગર શહેરમાં સમાજના બબ્‍બે કોર્પોરેટરો ચૂંટાઈ આવતા હતા.

સમાજમાં અત્‍યારે એવી ચર્ચા છે કે, એક શિક્ષિત અને સક્ષમ ઉમેદવારની ટિકિટ કાપીને પક્ષે જ્ઞાતિનું અપમાન કર્યું છે. વાળંદ જ્ઞાતિની એકતા અને મતદાનની તાકાત આગામી દિવસોમાં શું પરિણામ લાવશે તેના પર રાજકીય વિશ્‍લેષકોની નજર મંડાયેલી છે. જ્ઞાતિના આગેવાનોમાં પ્રવર્તી રહેલો આ આક્રોશ જો ડેમેજ કંટ્રોલ કરવામાં ન આવે તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે આ બેઠક પર મુશ્‍કેલીઓ ઊભી કરી શકે છે.

(10:25 AM IST)