News of Monday, 13th April 2026
બાબરા પાલિકા ચૂંટણીમાં સગાવાદ અને અસંતોષે માથું ઊંચકયું
ધારાસભ્ય માટે અગ્નિપરીક્ષા સમાન સ્થિતિઃ બળવાખોરો, સગાવાદ અને અપક્ષ લહેર વચ્ચે ચૂંટણી રસપ્રદ બની

(દિપક કનૈયા દ્વારા ) બાબરાઃતા.૧૩, બાબરા નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ઉમેદવારોની પસંદગી અને ટીકીટ ફાળવણીપ્રક્રિયા અંતિમ ક્ષણ સુધી ખેંચાતી રહી, જેના કારણે ત્રણેય મુખ્ય પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને અસંતોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે.
ખાસ કરીને ભાજપમાં ધારાસભ્યના અંગત વિશ્વાસુઓને ટીકીટ આપવામાં આવતા અને કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસના બળવાખોરોને પણ સ્થાન મળતા સગાવાદના આક્ષેપો ઉઠ્યા છે. અનેક વોર્ડોમાં ભાઈ-ભત્રીજા, ભાણીયા અને પરિવારજનોનેપ્રાધાન્ય અપાતા પક્ષના નિયમો તૂટયા હોવાના આરોપો કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. સક્રિય સભ્ય ન હોવા છતાં કેટલાક ઉમેદવારો ટીકીટ મેળવવામાં સફળ રહ્યા હોવાની ચર્ચાઓએ પણ ગરમાવો વધાર્યો છે.
તાલુકા પંચાયત અને નગરપાલિકા બંનેની ટીકીટ ફાળવણીમાં લાંબા સમયથી પક્ષને સેવા આપતા વફાદાર કાર્યકર્તાઓને અવગણાતા અસંતોષ ફેલાયો છે. અનેક વોર્ડોમાં જુના જોગીઓને ફરી મેદાનમાં ઉતારતા યુવા કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ ઉમેદવારો શોધવા અંતિમ ક્ષણ સુધી દોડધામ ચાલી હતી. બાબરા નગરપાલિકાની કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે તમામ ૨૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ૧૮ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો અને અન્ય પક્ષો દ્વારા પણ છે, જેના કારણે ચૂંટણી વધુ ત્રિકોણીય અને રસપ્રદ બની છે.
સ્થાનિક ચૂંટણીઓ સામાન્ય રીતે પાયાના કાર્યકર્તાઓની ઓળખ અને મહેનતને માન આપતી હોય છે, પરંતુ આ વખતે ખાસ કરીને ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. નારાજ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે - કોઈ ધાર્મિક સંદેશો શેર કરી સંકેતો આપી રહ્યું છે તો કોઈ ‘‘વાર લાગશે પણ આવશે મજા'' જેવા સૂત્રો દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન બની છે. કેટલીક જગ્યાએ ઉમેદવારો દ્વારા ટીકીટ માટે સીધી શાબ્દિક અથડામણ બાદ પણ તેઓ ટીકીટ મેળવવામાં સફળ રહ્યા હોવાની ચર્ચાઓ શહેરમાં ગરમાઈ રહી છે. બીજી તરફ ધારાસભ્યના નજીકના લોકો અને તેમના પરિવારજનોને વધુપ્રમાણમાં ટીકીટ ફાળવાઈ હોવાના આક્ષેપો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
છેલ્લી ક્ષણ સુધી ટીકીટની રાહ જોનારા ઘણા કાર્યકર્તાઓને નિરાશા હાથે લાગી છે, જ્યારે અમુકને અચાનક તક મળતા ‘‘બગાસું ખાતા પતાસું મળ્યું'' જેવી સ્થિતિ સર્જાઈ છે.
હાલની પરિસ્થિતિમાં બાબરા શહેરના મતદારો પક્ષ કરતાં ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મુદ્દાઓ, વ્યક્તિગતપ્રતિષ્ઠા અને કાર્યશૈલી આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ બની રહેશે, જેના કારણે અંતિમ પરિણામો ચોંકાવનારા રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
