તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th April 2026
સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતળત્વને ફાળે જાય છેઃ જગદીશ વિશ્વકર્મા
જેતપુરના ‘જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષે વિરોધ પક્ષો પર કર્યા આકરા પ્રહારઃ ૨૮૨ ઉમેદવારોએ જનતા માટે અવિરત કાર્ય કરવાનો લીધો સંકલ્પ ભાજપા માત્ર વચનો આપતી નથી પણ તેને પૂર્ણ કરતી પાર્ટી છે, જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ પોતે જ કરે છેઃ કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજનાને રોકવા અનેક અવરોધો ઊભા કરાયા હોવાનો પ્રદેશ અધ્યક્ષનો આક્ષેપ

જેતપુર- રાજકોટ તા.૧૩: રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘જનસેવા સંકલ્પ' કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કાર્યકર્તાઓ અને ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપાનો કાર્યકર સેવા અને સમર્પણના ભાવ સાથે હંમેશા જનતાની વચ્ચે રહે છે. અન્ય રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે ભાજપાની કાર્યશૈલી હંમેશા જનસેવા કેન્દ્રિત રહી છે.
સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા અને નર્મદા યોજના
ભૂતકાળની પરિસ્થિતિને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ સૌરાષ્ટ્રમાં પાણીની ગંભીર તકલીફ હતી અને ટ્રેનો દ્વારા પાણી લાવવાની નોબત આવતી હતી. કોંગ્રેસની કેન્દ્ર સરકાર સમયે નર્મદા યોજનાને અટકાવવા માટે અનેક પ્રયત્નો થયા હતા. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ યોજના માટે ઉપવાસ કર્યા હતા. વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં તેમણે નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી. આજે જે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચ્યું છે તેનો સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદીના દ્રઢ નેતળત્વને જાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વર્ષો જૂની હોસ્પિટલની માંગ પણ એઈમ્સ (AIIMS) દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
ઉમેદવારોને જનસેવા માટે આહ્વાન
જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓના સંદર્ભમાં રાજકોટ જિલ્લાના ૨૮૨ ઉમેદવારોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ભાજપા જે કાર્યનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ પોતે જ કરે છે. તેમણે ઉમેદવારોને આગામી પાંચ વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે અવિરત કાર્ય કરવા અને જનતા માટે સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કર્યું હતું.
સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ
પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતળત્વમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી, અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું અને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે. આ બાબતો દેશ અને રાજ્ય માટે ગૌરવ સમાન છે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપાના તમામ ૨૮૨ ઉમેદવારોએ આગામી પાંચ વર્ષ જનતા માટે સમર્પિત રહી કાર્ય કરવાનો સામૂહિક સંકલ્પ કર્યો હતો. આ અવસરે જિલ્લા ભાજપા અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા, પ્રભારી ભરત આર્ય, વિવિધ ધારાસભ્યો, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ભાજપાએ ચૂંટણી પૂર્વે પોતાની સંગઠન શક્તિ અને જનસેવાના સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
