<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુરેન્‍દ્રનગર જિલ્લામાં અકસ્‍માતના ચાર બનાવઃ ત્રણ બાળકો સહિત સાતને ઇજા

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા. ૧૩, સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે પર અપના ગેસ્‍ટ હાઉસ સામે, ઓનેસ્‍ટ હોટલ સામે, લીંબડી-ધંધુકા રોડ અને લખતર બસ સ્‍ટેશન રોડ પર અકસ્‍માતના ૪ બનાવ બન્‍યા છે. જેમાં ૩ બાળકો, મહિલા સહિત ૭ને ઈજાઓ પહોંચતા સારવાર માટે લઇ  જવાયા છે.

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામે રહેતા ૪૦ વર્ષીય રામજીભાઈ પોપટભાઈ ડાભી બાઈક લઈને પત્‍ની વીજુબેન, ૧૦ વર્ષીય દિકરી રેસુ સાથે લીંબડી તાલુકાના પરનાળા ગામે આવેલ ધુપળી માતાજીના મઢે દર્શન કરવા ગયા હતા. જયાંથી પરત બાઈક લઈને ચીત્રાખડા જતા હતા ત્‍યારે ચોટીલા નેશનલ હાઈવે પર અપના ગેસ્‍ટ હાઉસ સામે બાઈકને પાછળથી ઈકો કારે ઠોકર મારી હતી. જેમાં રામજીભાઈ સહિત ત્રણેય બાઈક સહીત નીચે પટકાયા હતા.  જેમાં વીજુબેનને વધુ ઈજા પહોંચી હતી. આ સમયે કાર ચાલક પોતે મહેશભાઈ શીશા હોવાનું તથા અકસ્‍માતમાં સારવારનો ખર્ચ આપવાની વાત કરી હતી. પરંતુ સારવારનો ખર્ચ ન મળતા અંતે  ફરિયાદ નોંધાવી છે. તપાસ એચસી આર.એ.હણ ચલાવી રહ્યા છે.

જયારે મુળ માંડલ તાલુકાના નાગલપર ગામના ૪૧ વર્ષીય ગંગાસ્‍વરૂપા મેનાબેન ભરતભાઈ વરમોરા હાલ રાજકોટ રહે છે. જયારે તેમના ૨ સંતાનો મેનાબેનના ભાઈ સાથે લીંબડી-ધંધુકા રોડ પર આવેલ સીતારામનગરમાં રહે છે.૧૪ વર્ષીય હરેશ અને તેના માસીનો દિકરો અંશુ ઈલેકટ્રીક સ્‍કુટર લઈને લીંબડીથી સીતારામનગર તરફ જતા હતા. ત્‍યારે સામેથી પુરઝડપે આવેલ યુટીલીટીએ સ્‍કુટરને ઠોકર મારતા બન્નેને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે મેનાબેને યુટીલીટી કાર ચાલક સામે  વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.

બીજી તરફ અમદાવાદના બોપલમાં રહેતા ૪૯ વર્ષીય કેયુરભાઈ હીરાભાઈ સતવારા છેલ્લા ૯ માસથી ચોટીલા નેશનલ હાઈવે પર ઓનેસ્‍ટ હોટલ સામે આવેલ માઈક્રો સ્‍ટીલ કારખાનામાં ફરજ બજાવે છે. તા. ૬-૪ના રોજ રાત્રે તેઓ એકટીવા લઈને કારખાનેથી કાગળો કુરીયર કરવા જવા નીકળ્‍યા હતા. જેમાં કારખાનાના ગેટ પાસે નેશનલ હાઈવે પર વાહનો પસાર થાય તેની તેઓ રાહ જોતા હતા. આ સમયે એક ફોરવ્‍હીલના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અને એકટીવા સહિત કેયુરભાઈ બોનેટમાં ફસાયા હતા. અને કાર ચાલકે તેમને ઢસડીને બાવળમાં જતા કાર ઉભી રહી ગઈ હતી. આ બનાવમાં કેયુરભાઈને કપાળમાં અને પગે ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.  લખતરમાં રહેતા પ્રકાશભાઈ નાનજીભાઈ પટેલ બાઈક લઈને બસ સ્‍ટેશન તરફ જતા હતા. ત્‍યારે લખતર તળાવની પાળ પાસે આગળ જતા એક ટ્રેકટરને ઓવરટેક કરતા સમયે સામેથી આવતી કીયા કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્‍માત કર્યો હતો. જેમાં પ્રકાશભાઈને ઈજા પહોંચતા પ્રથમ લખતર સરકારી દવાખાને અને ત્‍યાંથી વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર લઈ જવાયા હતા.

(11:56 AM IST)