News of Monday, 13th April 2026
અમરેલીમાં MLA જેવી કાકડિયાના પત્ની કોકિલાબેનનું 'વિધર્મીઓના નાશ'નું નિવેદન વાયરલ, વિવાદ વચ્ચે સ્પષ્ટતા : 'ઈશારો આતંકવાદી તત્વો તરફ હતો'
ધારગણીના કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ કોંગ્રેસનો આકરો પ્રહાર : પ્રતાપ દુધાતે કહ્યું 'મુદ્દા ભટકાવવાનો પ્રયાસ', કોકિલાબેનનો ખુલાસો: 'હિન્દુ-મુસ્લિમ ભાઈચારા પર કોઈ ટિપ્પણી નથી, દેશ વિરોધી તત્વો માટે શબ્દ વાપર્યો'

અમરેલી તા.૧૩ : ધારી-બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની અને ભાજપ નેતા કોકિલાબેન કાકડિયા હાલ પોતાના એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. ગત 11 એપ્રિલના રોજ ધારગણી ગામે ઉમેદવારનું ફોર્મ ભરવા માટે આયોજિત કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, 'સંગઠને હવે વિધર્મીઓના નાશની ઝુંબેશ ઉપાડી છે'. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ હતી.
વિવાદ વધતા અને સોશિયલ મીડિયામાં ટીકાઓ થતા કોકિલાબેન કાકડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. ખુલાસો કરતા તેમણે કહ્યું, 'મેં જે વાત કરી હતી તે આતંકવાદ ફેલાવતા વિધર્મીઓના નાશ માટે હતી. દેશ વિરોધી તત્વો માટે મેં વિધર્મી શબ્દનો પ્રયોગ કર્યો હતો.' વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારા સાથે રહે છે અને તેમણે ભાઈચારા વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી.
બીજી તરફ, કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપ નેતા દ્વારા આવા નિવેદનો માત્ર જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે કરવામાં આવે છે. પ્રતાપ દુધાતે સવાલ કર્યો હતો કે કોકિલાબેન 'વિધર્મી' કોને કહેવા માંગે છે તે સ્પષ્ટ કરવું જોઈએ. તેમણે વધુમાં યાદ અપાવ્યું કે કોંગ્રેસે દેશમાં પંચાયતી રાજ મજબૂત કરવાનું કામ કર્યું છે, જ્યારે ભાજપ માત્ર વિવાદો ઉભા કરીને રાજનીતિ કરી રહી છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
