News of Monday, 13th April 2026
જામનગર મનપાના વૉર્ડ-5 ના કોંગ્રેસ ઉમેદવાર ગિરિરાજસિંહનું ફોર્મ મેન્ડેટમાં વ્હાઈટનરના લીધે રદ: ચૂંટણી પંચ પર ભેદભાવનો આક્ષેપ
વૉર્ડ-7 ના ભાજપ ઉમેદવાર શીતલબેન સામે ત્રણ સંતાનોનો આરોપ હોવા છતાં પુરાવા ન મળતા તેમનું ફોર્મ માન્ય:વિરોધાભાસી નિર્ણયોને કારણે કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભેદભાવ અને અન્યાયનો આક્ષેપ કરી રોષ ઠાલવ્યો

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ થતાં ભેદભાવના આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું મારું નજીવી બાબતે ફોર્મ રદ કર્યું, જ્યારે ભાજપ ઉમેદવારને 3 બાળકો હોવા છતાં તેમનું ફોર્મ માન્ય રાખ્યું છે. આ ગંભીર આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે.
જામનગર મનપાની ચૂંટણી ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. જેમાં ભારે ખેંચતાણ અને આરોપ-પ્રત્યારોપ કરાયા છે. આ ચકાસણી દરમિયાન કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રદ થવાનું કારણ એ હતું કે ઉમેદવારના સત્તાવાર મેન્ડેટમાં નામ પર વ્હાઈટનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીએ આને ગંભીર ક્ષતિ ગણાવી ઉમેદવારી રદ કરી હતી. ગિરિરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા નજીવી બાબતે તેમનું ફોર્મ રદ કરીને પક્ષપાતી વલણ દાખવ્યું છે.
વોર્ડ નં- 7 માં ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ગિરિરાજસિંહ જેઠવાનો આરોપ છે કે શીતલબેનને ત્રણ બાળકો હોવાથી તેઓ નિયમ મુજબ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. જોકે તેમ છતાં તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમને પગલે જામનગરનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભેદભાવની નીતિ અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે એક તરફ સામાન્ય ભૂલ બદલ વિપક્ષના ફોર્મ રદ થાય છે, તો બીજી તરફ ગંભીર આરોપો હોવા સત્તાધારી પક્ષના ઉમેદવારોને છાવરવામાં આવી રહ્યા છે. હવે આ મામલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
