<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ગાંધીનગરમાં સચિવાલય પાસે SRP જવાનની આત્મહત્યા: વૃક્ષ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

વડોદરા ગ્રુપ-9 માં ફરજ બજાવતા અને ભાવનગરના વતની રાજેન્દ્રસિંહ ગોહિલે મધરાતે જીવન ટૂંકાવ્યું : સુસાઈડ નોટમાં મકાનનો હિસાબ લખ્યો : પત્નીને આપી અંતિમ ક્રિયાની જવાબદારી

 ગાંધીનગર:  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ બેડામાં ભારે શોક અને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. નવા સચિવાલયના ગેટ નંબર-3 પાસે એક પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં રાજ્ય અનામત પોલીસ દળ (SRP) ના એક જવાને વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

 

 ઘટનાની વિગત અને રેસ્ક્યુ:

મળતી વિગતો અનુસાર, સચિવાલયના ગેટ નંબર-3 પાસે મધરાત દરમિયાન આ ઘટના બની હતી. સવારે વૃક્ષ પર લટકેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક જવાન ભાવનગર જિલ્લાના વતની હતા અને તેઓનું નામ રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ (ઉંમર વર્ષ 49) છે. રાજેન્દ્રસિંહ વડોદરા ખાતે એસઆરપી ગ્રુપ-9 માં ફરજ બજાવતા હતા.

 

 સુસાઈડ નોટમાં શું લખ્યું?

પોલીસને મૃતક જવાન પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે. આ સુસાઈડ નોટમાં રાજેન્દ્રસિંહે પોતાની આત્મહત્યા માટે કોઈ પણ વ્યક્તિને જવાબદાર ગણાવ્યા નથી, જેનાથી આ કેસમાં રહસ્ય ઘેરાયું છે. ચિઠ્ઠીમાં તેઓએ પોતાના મકાનનો સંપૂર્ણ હિસાબ લખ્યો છે. આ ઉપરાંત, તેઓએ ભાવુકતા સાથે એક નોંધ લખી છે કે તેમની અંતિમ ક્રિયા કયા સ્થળે કરવી તેનો સંપૂર્ણ અધિકાર તેમની પત્નીને આપવામાં આવે છે.

 

 પોલીસ તપાસ શરૂ:

ગાંધીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઆરપી જવાન વડોદરાથી ગાંધીનગર કયા કારણોસર આવ્યા હતા અને તેઓએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પાટનગરના હાઈપ્રોફાઈલ વિસ્તાર ગણાતા સચિવાલય પાસે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

(10:57 AM IST)