<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મોરબીના સિરામિકના યુનિટ દીઠ રૂ.૫૦ લાખથી દોઢ કરોડની નુકસાનીઃ ટાઇલ્‍સના ભાવમાં તોતિંગ વધારો આવશે!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસરઃ ગેસના મોંઘા ભાવ અને નિકાસના અવરોધ વચ્‍ચે ૧ મહિનામાં અંદાજે ૫ હજાર કરોડનું ટર્નઓવર ઠપ્‍પ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૪: ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્‍થિતિએ મોરબીના વિશ્વવિખ્‍યાત સિરામિક ઉદ્યોગને આર્થિક ભીંસમાં મૂકી દીધો છે. છેલ્લા ૧ મહિનાથી ઉત્‍પાદન બંધ રહેવાને કારણે ઉદ્યોગનું અંદાજે ૫,૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. જોકે આગામી ૧૫ એપ્રિલથી સિરામિક એકમો ફરીથી શરૂ થવા જઈ રહ્યા છે, પરંતુ તેની સાથે ગ્રાહકોએ મોંઘી ટાઇલ્‍સ ખરીદવા તૈયાર રહેવું પડશે.

ઉત્‍પાદન પ્રક્રિયા બંધ હોવાથી મોરબીના દરેક કારખાનેદારના શિરે ૫૦ લાખથી ૧.૫૦ કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્‍યો છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્‍યા અનુસાર, મોરબીમાં કાર્યરત ૬૫૦ જેટલા સિરામિક એકમો વાર્ષિક ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે, જે અત્‍યારે થંભી ગયું છે. આ આર્થિક ફટકો માત્ર સિરામિક જ નહીં પણ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગ પર પણ ભારણ તરીકે જોવા મળી રહ્યો છે.

ગેસના ભાવમાં થયેલો અસહ્ય વધારો ઉદ્યોગ માટે અત્‍યારે સૌથી મોટો પડકાર છે. મોંઘા ઈંધણને કારણે ઉત્‍પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્‍યો છે, જેને પગલે ૧૫ એપ્રિલથી જ્‍યારે ઉદ્યોગો ફરી ધમધમતા થશે ત્‍યારે ટાઇલ્‍સના ભાવમાં વધારો ઝીંકવો ઉદ્યોગકારો માટે અનિવાર્ય બનશે. ઈંધણની કટોકટી અને મોંઘવારીને જોતા આ ભાવ વધારો ચોક્કસપણે લાગુ કરવાની ફરજ પડશે તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

અગાઉ ગેસના ભાવ અસહ્ય થતા સિરામિક ઉદ્યોગકારોએ એકત્રિત થઈને ગુજરાત ગેસની કચેરીએ રામધૂન બોલાવી પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે ગેસ કંપનીના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી. તેમ છતાં અત્‍યારે ગેસ ખૂબ મોંઘો પડી રહ્યો હોવાથી ઉદ્યોગને પાટા પર લાવવો એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.

સિરામિક ઉદ્યોગકારો માટે નિકાસના મોરચે પણ કપરી સ્‍થિતિ સર્જાઈ છે, જ્‍યાં યુદ્ધને કારણે નિકાસના માર્ગો પ્રભાવિત થયા છે. છેલ્લા ૧ માસમાં કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી ૭૦૦ થી વધુ કન્‍ટેનરો પરત ફર્યા છે અને અંદાજે ૮૦૦ જેટલા કન્‍ટેનરો વિદેશી બંદરો પર અટવાયેલા છે. આ વિલંબ અને અવરોધને કારણે ઉદ્યોગપતિઓએ કન્‍ટેનર દીઠ ૫૦,૦૦૦ થી ૧.૫૦ લાખ રૂપિયા સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે ઉદ્યોગકારોએ અગાઉ ગુજરાત ગેસ કચેરીએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્‍યો હતો. આ મુદ્દે ગાંધીનગર ખાતે ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ હોવા છતાં અત્‍યારે ગેસના ઊંચા ભાવને કારણે ઉદ્યોગકારો મુશ્‍કેલીમાં મુકાયા છે. હાલ ઉદ્યોગકારો ગેસના ભાવમાં રાહત ઝંખી રહ્યા છે. ગેસનો અત્‍યારનો ભાવ અસહ્ય છે. ગેસના ભાવમાં થોડી રાહત મળશે તો પણ ઉત્‍પાદન ખર્ચ તો વધવાનો જ છે. પરિણામે ટાઈલ્‍સના ભાવમાં વધારો લાગુ કરવાની ફરજ પડશે.

(11:01 AM IST)