News of Tuesday, 14th April 2026
હિન્દુ સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પ્રતીક ભટ્ટ અને રાષ્ટ્રીય કારોબારીમાં વિનયજી શર્માનો સમાવેશ : જામનગરમાં ગુજરાત સ્તરની બેઠક સંપન્ન
2026ની કાર્યપદ્ધતિ અંગે જામનગરમાં મળેલી અગત્યની બેઠકમાં 'અમે 2, અમારા 4'નો સંદેશ, 15 નવેમ્બરે 10 હજારથી વધુ યુવાનોનું મહાસંમેલન યોજાશે : કતલખાનેથી બચાવેલા ગૌવંશની સંભાળ લેવાનો નિર્ધાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ શ્રી દયાશંકર બ્રહ્મપુરીની વાડી ખાતે હિન્દુ સેના ગુજરાતના જિલ્લા-શહેર સ્તરની 2026ની સંગઠનલક્ષી કાર્યપદ્ધતિ અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન કરાયું હતું.
બેઠકનો પ્રારંભ ૐ કારથી થયો હતો. ત્યારબાદ હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગની ટીમના કર્મકાંડી ભૂદેવોએ મંત્રોચ્ચાર કર્યા હતા. કર્ણાવતીથી પધારેલા પ્રદેશ સંગઠન મંત્રી કોમલસિંગ ભાદોરીયા, પ્રદેશ લીગલ એડવાઇઝર નિરલ ઝાલા, ધ્રોલના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપપ્રમુખ ગૌરવ મહેતા, લાલપૂરથી આવેલા જામનગર જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ વશરા દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું.
બેઠક દરમિયાન પ્રોજેક્ટરથી હિન્દુ સેના દ્વારા ગુજરાતમાં કરેલી કામગીરીની ક્ષણો બતાવવામાં આવી હતી. ત્યારબાદ સંઘર્ષમય કાર્યો કરનાર સૈનિકોનું સન્માન કરાયું હતું. દિલ્હી સ્થિત હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ લાઇવ જોડાઈ સૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીને હિન્દુ સેના રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કર્યા હતા.
હિન્દુ સેના જામનગરના પ્રમુખ દિપક પિલ્લાઈ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન અને હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીએ રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિને લઈ કામ કરતી હિન્દુ સેનાનો પરિચય આપ્યો અને સંઘર્ષમય કામ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. યુવા અધ્યક્ષ મયુર પટેલ દ્વારા હિન્દુ સેનાની કાર્યપદ્ધતિ, કાર્યક્રમોની રૂપરેખા અને જવાબદાર સૈનિકોની ફરજ વિશે માહિતગાર કરાયા હતા.
હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા આગામી 15 નવેમ્બરે 10,000 યુવાનોનું મહાસંમેલન યોજવા, કતલખાનેથી પાછા લવાતા ગૌવંશની સંભાળ રાખવા તેમજ 'અમે 2 અમારા 2'ની પરંપરાને તિલાંજલિ આપી 'અમે 2 અને અમારા 4'ની યોજનાને અપનાવવા આહ્વાન કરાયું હતું. તેમણે રાષ્ટ્ર માટે લડનારની ફૌજ તૈયાર કરવા હિન્દુ સેના કટિબદ્ધ હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભારવિધિ કોમલસિંગ ભાદોરિયાએ કરી હતી અને સંપૂર્ણ બેઠકનું સંચાલન ક્રિશા દવેએ કર્યું હતું.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
