News of Tuesday, 14th April 2026
જામનગરમાં કરોડોની જમીન પચાવી પાડવા રાજકીય વગ ધરાવતા તત્વોનું મોટું કૌભાંડ? હથિયાર બતાવી સહી કરાવાયાનો મહિલાનો કોર્ટમાં ઘટસ્ફોટ
મસીતીયાની જમીન મામલે 'ગન પોઈન્ટ' પર સમાધાન કરાવાયાના આક્ષેપ સાથે નયનાબેન અકબરીએ અદાલતના દ્વાર ખખડાવ્યા : ૧૨ લાખ ચૂકવ્યા હોવા છતાં છેતરપિંડી આચરી હોવાની રજૂઆત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:શહેરની અદાલતમાં મસીતીયા ગામની કરોડોની કિંમતની ખેતીની જમીન પચાવી પાડવા બાબતે એક એવો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકીય વગ અને ધાકધમકીના જોરે કોર્ટમાં ખોટું સમાધાન કરાવી લેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે ભોગ બનનાર મહિલા નયનાબેન અશોકભાઈ અકબરીએ મહે. એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં દાદ માંગી ન્યાયની ગુહાર લગાવી છે.
સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ:વાદી ઝૂલેખાબેન કાસમ ખફી દ્વારા મસીતીયા ગામની સીમની જમીન રે.સ.નં. ૫૬ બાબતે કરવામાં આવેલા દાવામાં ગત તા. ૧૩/૦૫/૨૦૨૩ના રોજ લોક અદાલતમાં એક 'કન્સેન્ટ ડિક્રી' (સમાધાન હુકમ) મેળવવામાં આવ્યો હતો. પ્રતિવાદી નયનાબેન અકબરીએ હવે આ સમાધાનને ગેરકાયદેસર અને દબાણ હેઠળ લેવાયેલું ગણાવી તેને રદ કરવાની માંગ કરી છે.
ચોંકાવનારા આક્ષેપોની વિગત:
નાણાકીય છેતરપિંડી: કોર્ટમાં એવું ખોટું દર્શાવવામાં આવ્યું હતું કે કોઈ નાણાકીય લેતી-દેતી થઈ નથી. વાસ્તવમાં, નયનાબેને કોટક મહિન્દ્રા બેંકના બે ચેકો દ્વારા કુલ ₹૧૨,૦૦,૦૦૦/- ની રકમ ચૂકવીને કાયદેસર દસ્તાવેજથી જમીન ખરીદી હતી. આ રકમ વાદીના ખાતામાં જમા પણ થઈ ગઈ છે, છતાં અવેજ પરત મળ્યો હોવાનું ખોટું લખાણ પાછળથી ઉમેરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
હથિયાર બતાવી ધાકધમકી: નયનાબેને ગંભીર આક્ષેપ કર્યો છે કે વાદીના પતિ કાસમભાઈ ખફી, તેમના પુત્ર જાવેદ ખફી (સહકારી મંડળીના હોદ્દેદાર) અને રાજકીય આગેવાન વિશાલ મોદીએ હથિયારો બતાવી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જબરદસ્તીથી સમાધાન પર સહી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, વિશાલ મોદી હાલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવાયું છે.
પોલીસ તપાસ અને IGPનો આદેશ: આ મામલે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓની વગને કારણે માત્ર હળવી કલમો જ લગાડવામાં આવી હતી. જોકે, હવે IGPના આદેશથી સિક્કા પોલીસ આ સમગ્ર કૌભાંડની ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
આ હાઈપ્રોફાઈલ કેસમાં નયનાબેન વતી વકીલ મંગલ શાહ, નિખિલ બુદ્ધભટ્ટી અને ધ્યેય શાહ કોર્ટમાં કાયદાકીય લડત લડી રહ્યા છે. રાજકીય જોરે જમીન હડપવાના આ કિસ્સાએ જામનગરના વહીવટી અને રાજકીય આલમમાં ભારે ચર્ચા જગાડી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
