<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

હળવદના ચરાડવા નજીક ગમખ્વાર અકસ્માત :ઈજાગ્રસ્ત યુવાનને લઈને જતી કાર મોટા વાહન પાછળ ધડાકાભેર અથડાતા ત્રણ લોકોના મોત :4 લોકો ગંભીર

ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી લઈ જતી વખતે કારને અકસ્માત નડતા રણછોડગઢ ગામના 3 લોકોએ જીવ ગુમાવ્યા:ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા એક ભયંકર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢયાનો 24 વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરતો હતો ત્યારે માનસર પાસે તેનું બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 આગેવાનો KIA કાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલ પરેશને કારમાં બેસાડીને તમામ 7 લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા કોઈ અજાણ્યા મોટા વાહન કે પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ગોઝારી ઘટના ઘટી હતી.
આ અકસ્માતમાં સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ), વિરમ ભીમાભાઈ ડહૈયા (ઉંમર 28 વર્ષ), પરેશ દિલીપભાઈ ડહૈયા (ઉંમર 24 વર્ષ)નું મોત થયું છે. જ્યારે પ્રકાશ અમીરભાઈ ડઢયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત), પ્રેમજી શંકરભાઈ ડઢયા (સદસ્ય, તાલુકા પંચાયત), દિલીપ ભગવાનભાઈ ડહૈયા, ભરત પ્રભુભાઈ ડહૈયાને ઈજાઓ પહોંચતા તેમને મોરબી ખસેડવામાં આવ્યા છે.

(11:45 PM IST)