તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 6th June 2026
હળવદના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 લોકોના કરુણ મોત, 4 લોકોને ઈજા : જુઓ વિડિઓ
બાઇક અકસ્માતના ઈજાગ્રસ્તને સારવારમાં લઈ જતી કિયા કારને પણ નડ્યો અકસ્માત : ત્રણેય મૃતકો રણછોડગઢ ગામના, ભારે શોક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા એક ભયંકર માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢયાનો 24 વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરતો હતો ત્યારે માનસર પાસે તેનું બાઈક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 આગેવાનો KIA કાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલ પરેશને કારમાં બેસાડીને તમામ 7 લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા કોઈ અજાણ્યા મોટા વાહન કે પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી જતાં આ ગોઝારી ઘટના ઘટી હતી.
આ અકસ્માતમાં સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ), વિરમ ભીમાભાઈ ડહૈયા (ઉંમર 28 વર્ષ), પરેશ દિલીપભાઈ ડહૈયા (ઉંમર 24 વર્ષ)નું મોત થયું છે. જ્યારે પ્રકાશ અમીરભાઈ ડહૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત), પ્રેમજી શંક૨ભાઈ ડઢેયા (સદસ્ય, તાલુકા પંચાયત), દિલીપ ભગવાનભાઈ ડઢેયા, ભરત પ્રભુભાઈ ડહૈયાને ઇજાઓ પહોંચતા તેમને મોરબી ખસેડવામાં આવ્યા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
