News of Saturday, 6th June 2026
જસદણ સરકારી હોસ્પિટલમાં આર.ટી.આઈ. હેઠળ માહિતીમાં વિવિધ વિભાગોમાંથી લાખોની ગેરરીતિ સામે આવી
અવાર-નવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતા કોઈ પગલા નહી ભરાતા હોવાથી સામાજીક કાર્યકર મેહુલ સંઘવીની મુખ્યમંત્રી,આરોગ્ય વિભાગ અને વિજિલન્સમાં ફરિયાદઃ કડક પઞલા ભરવાની માંગ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૬ સરકારી હોસ્પિટલ જસદણમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા મેહુલ સંઘવીએ હોસ્પિટલમાં થતી ગેરરીતિની આશંકાથી માહિતી અધિકારના કાયદા હેઠળ વિવિધ પ્રકારની માહિતીઓ માંગતા જસદણ સરકારી હોસ્પિટલમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચરાતી હોવાનું ઉજાગર થતા જસદણ શહેર તેમજ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અખબાર જોગ આપેલી વિગતોમાં મેહુલ સંઘવીએ સરકારી હોસ્પિટલ જસદણના વિવિધ વિભાગોના ખર્ચની આર.ટી.આઈ કરતા આર.ટી.પી. સી.આર. લેબ જે ત્રણ વર્ષથી બંધ છે, સી.એમ.ટી.સી. વિભાગ, પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત ઈન્સેન્ટીવ તેમજ વાહનભાડા,લેબમાં ઉપયોગ થતા સેલ કાઉન્ટરના કેમિકલના હિસાબમાં, એન.પી.એમ. સ્ટાફ કર્મચારીને થતા પગાર અને ઈન્સેન્ટીવમાં હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ બન્ને માહિતીનો અભ્યાસ કરતા લાખો રૂપિયાનો તફાવત જોતા ગેરરીતિ આચરાવામાં આવી હોય તેવુ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
મેહુલ સંઘવીએ આપેલી વિગતો નીચે મુજબ છે. આヘચર્યજનક બાબત તો એ છે કે સરકારી હોસ્પિટલ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં ખુબજ સારી ફરજ બજાવી ચૂકેલા આઠ ડોકટરોના નામો, માંગેલી માહિતીમાંથી ગાયબ થઈ ગયા છે જ્યારે બે ડોકટરો તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય જોવા નથી મળ્યાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપરાંત હાલ ફરજ બજાવતા એક ડોકટર સહિત કુલ ૧૭ કર્મચારીઓના નામ માંગેલી માહિતીમાંથી ગાયબ થઈ ગયા છે ! તો આ ડોકટર અને કર્મચારીઓને પગાર કોણ ચુકવતા હશે? ગાયબ થઈ ગયેલા નામોમાંથી બે કર્મચારીઓને તો હાલમાં પણ ઈન્સેન્ટીવ મળી રહ્યું છે.
સરકારી હોસ્પિટલ જસદણમાં કાર્યરત લેબોરેટરી વિભાગમાં વિવિધ પ્રકારની બિમારીઓના નિદાન માટે લેબ ટેસ્ટની સરકારે વિનામૂલ્યે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવા છતા ઉચ્ચ અધિકારીની મિઠી નજર હેઠળ લેબોરેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા એક કર્મચારી કે જેનું નામ પણ કર્મચારીઓની યાદીમાં નથી તેણે પોતાની ખાનગી આઈ/ડી બનાવી રાજકોટની નામાંકિત લેબોરેટરી સાથે સાઠગાંઠ કરી લેબોરેટરી ટેસ્ટ કરવવાનાં નામે અંદાજે બે વર્ષથી અનેક દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણા ખંખેરી ખિસ્સા ભરી રહ્યો છે.
આ અંગે એક વર્ષ પૂર્વે નાયબ નિયામક રાજકોટને જસદણ ખાતે રૂબરૂ મળી ભોગ બનેલા નાગરિકોએ પુરાવા સાથે કર્મચારી વિરુદ્ધ લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી હતી તેમ છતાં આજ દિવસ સુધી કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.
નિઃ સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલ સંઘવીએ આક્રોષ સાથે જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં જીવના જોખમે નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર ગરીબ દર્દીઓને તમામ પ્રકારે મદદરૂપ થવા માટે કયારેય પાછીપાની કરી નથી,દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા સરકારી હોસ્પિટલના પેધી ગયેલા બેદરકાર કર્મચારીઓ વિરુદ્ધ તારીખ ૮/૪/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, આરોગ્ય વિભાગ, રાજકોટના નાયબ નિયામક, ધારાસભ્ય, કલેક્ટર સહિતના જવાબદાર પદાધિકારીઓને જસદણ શહેરના ૭૧૪ નાગરિકોની સહી સાથે લેખીતમાં ફરિયાદ કરી હતી આ ફરિયાદના અનુસંધાને તારીખ ૧૩/૬/૨૦૨૫ ના રોજ આરોગ્ય વિભાગના નાયબ નિયામક ટીમ સાથે તપાસ અર્થે જસદણ આવતા વિવિધ સમાજના અનેક નાગરિકોએ મૌખિક તેમજ લેખીતમાં ગંભીર નિવેદનો આપ્યા હતા તેમ છતાં આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી તેવો આક્ષેપ મેહુલ સંઘવીએ કર્યો છે. આરોગ્ય વિભાગ રાજકોટના નાયબ નિયામક દ્વારા તપાસના નામે નર્યુ નાટક કરી રાજકીય વગ ધરાવતા કર્મચારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાને બદલે રાજકીય દબાણ હેઠળ માત્રને માત્ર કર્મચારીઓને છાવરવાનો પ્રયાસ કર્યો છે તેવો પણ આક્ષેપ કર્યો છે.
મુખ્યમંત્રી,આરોગ્યમંત્રી,આરોગ્ય કમિશ્નરને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કર્મચારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી સરકાર અને આરોગ્ય વિભાગનો કોઈ ડર કે અસ્તિતત્વજ ન હોય તેમ બેદરકારી દાખવનાર કર્મચારીઓ બેખૌફ બની મનમાની કરી રહ્યાં છે.
મેહુલ સંઘવીનાં જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલ જસદણમાં કર્મચારીઓની ગંભીર બેદરકારીઓ અને ગેરરીતિ ઉજાગર ન થાય તે માટે મારા વિરુદ્ધ જાત જાતના હથકંડાઓ અપનાવી ગરીબ દર્દીઓ પ્રત્યેનું અમારૂ નિઃસ્વાર્થ સેવાકાર્ય બંધ કરાવવા તેમજ અમોને હોસ્પિટલમાં આવતા રોકવા અને અમોને ખોટીરીતે બદનામ કરવા માટેના નિરંતર પ્રયાસો કરતા બદનામીના ડરથી અમારે નાછૂટકે સેવાકાર્ય બંધ કરવાની ફરજ પડી છે. ગુજરાત સરકાર આરોગ્ય બાબતે ખૂબજ ગંભીરતા દાખવી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પૂરતી અને સારી સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે કોઈ પણ પ્રકારની કચાશ રાખતી નથી તેમ છતાં રાજકીય વગ ધરાવતા સરકારી હોસ્પિટલ જસદણમાં ગેરરીતિ આચરનાર જવાબદાર સતાધિશો અને બેદરકારી દાખવનાર કર્મચારીઓ સરકારી હોસ્પિટલ જસદણનું તેમજ ગુજરાત સરકારનું નામ ખરાબ કરી રહ્યા છે આ બાબતે ઉચ્ચકક્ષાએથી તટસ્થતા પૂર્વકની તપાસ કરી જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની લેખિત માંગ મેહુલ સંઘવી એ કરી છે.
ઉલ્લેખનીય છે કે અઞાઉ જસદણ સરકારી દવાખાનામાં કર્મચારીઓની ઓફિસમાંથી અને કચરામાંથી અનેક વખત દારની બોટલો અવાર-નવાર મળી આવી હોવા છતા પણ અધિક્ષક દ્વારા કોઈજ કાર્યવાહી ન થતી હોય ત્યારે વાડ ચિભડા ઞળે તેવો ધાટ ધડાય છે. (૪૦.૨૮)
આર.ટી.પી.સી.આર.લેબોરેટરી આખા
ગુજરાતમાં કાર્યરત છેઃ ડો.મૈત્રી
આટકોટ તા.૬: સામાજિક કાર્યકર મેહુલ સંઘવી દ્વારા કરવામાં આવેલ આક્ષેપો અંગે જસદણ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડો.મૈત્રીએ આક્ષેપો નકારી કાઢ્યા હતા. અકિલા સાથે થયેલ ટેલીફોનિક વાતચીતમાં ડો.મૈત્રીએ જણાવ્યું હતું કે કોરોના વખતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૮૩ જગ્યાએ આર.ટી.પી.સી. આર.લેબોરેટરી ચાલુ કરી હતી જે હજુ પણ કાર્યરત છે.
રાજ્ય સરકારે જ લેબોરેટરીના સ્ટાફની નિમણૂક કરેલી છે અમોને ઉપરથી સૂચના આપવામાં આવે કે આ સ્ટાફને છુટા કરી દો તો અમે કરી દઈ એમાં મારૂ વ્યક્તિગત કાંઈ ચાલે નહીં.
આ ઉપરાંત મેહુલ સંઘવી દ્વારા બીજા વિભાગમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય અને અમુક ડોક્ટરો માત્ર કાગળ ઉપર છે એ અંગે પૂછતા ડોક્ટર મૈત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્ટાફ અંગે જે માહિતી માંગવામાં આવી હતી એ બધો જ સ્ટાફ કાર્યરત છે. આપ ગમે ત્યારે આવી ચેક કરી શકો છો
કોરોના કાળ વખતે ગુજરાતમાં ૮૩ જગ્યાએ લેબોરેટરી ચાલુ કરવામાં આવેલી એ બધી લેબોરેટરી હાલ ચાલુ છે અને સ્ટાફ પણ કાર્યરત છે
મેહુલ સંઘવી અધિક્ષક કરતા પણ સ્ટાફ ઉપર વધુ રોફ જમાવે છે?
આટકોટ તા.૬: નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેહુલ સંઘવી હોસ્પિટલના સ્ટાફ ઉપર ભારે રોફ જમાવતા હોવાનું કર્મચારીઓએ નામ નહી છાપવાની શરતે જણાવ્યું હતું. કોરોના કાળથી લઈ હમણાં સુધી મેહુલ સંઘવી દ્વારા જસદણના લોકોના દાનથી દર્દીનારાયણની ખૂબ જ સેવા ચાકરી કરી છે એ નિર્વિવાદ છે પરંતુ મેહુલ સંઘવી ગમે ત્યારે સાચા-ખોટા બહાના હેઠળ હોસ્પિટલના મહિલા કર્મચારી, ડોક્ટરો સહિત બીજા કર્મચારીઓ ઉપર અવારનવાર રોફ જમાવી હું તમારી ઉપર સુધી ફરિયાદ કરીશ એવી ધમકી પણ આપતા હોય છે એવું નામ નહીં છાપવાની શરતે કર્મચારીઓએ જણાવ્યું હતું. અમારા હસ્તક જે કામગીરી ન આવતી હોય તે બાબતે પણ સ્ટાફને દર્દીઓની હાજરીમાં તતડાવી નાખતા હોવાની ફરિયાદ પણ કર્મચારીઓએ કરી હતી. આ બાબત. પણ તપાી થવી ઘટે છે તેવી લાગણી પણ પ્રવર્તી રહેલ છે.
કોરોના કાળથી લઈ હમણાં સુધી દર્દીઓની ખૂબ જ સેવા કરી છે પરંતુ સાચા ખોટા કારણો અંગે સ્ટાફ માથે રોફ જમાવો કેટલા અંશે વ્યાજબી છે?
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
