<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ખેરડીમાં કંચનબેન જમોડનું ગળાફાંસાથી મોતઃ ત્રણ સંતાન મા વિહોણાઃ પતિએ હત્‍યા કર્યાનો મૃતકના ભાઇનો આક્ષેપ

ગોંડલના ફુલઝર ગામે રહેતાં મૃતકના ભાઇ હીમતભાઇ સરવૈયાએ કહ્યું-બનેવી સવજી જમોડને આડાસંબંધ હતાં: બહેનના શરીર પર મારના નિશાન, બનેવીએ હત્‍યા કર્યાની શંકા છેઃ એરપોર્ટ પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું

કંચનબેન સવજીભાઇ જમોડનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને આક્ષેપો કરનારા મૃતકના માવતર પક્ષના સભ્‍યો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૬: કુવાડવા તાબેના ખેરડી ગામે રહેતી પરિણીતાનું ગળાફાંસાથી મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પતિને આડાસંબંધ હોઇ તેના કારણે તે ત્રાસ આપતો હોવાનો અને તેણે હત્‍યા કરી  હોવાનો આક્ષેપ માવતર પક્ષે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ ખેરડી ગામે રહેતાં કંચનબેન સવજીજીભાઇ જમોડ (ઉ.વ.૩૫) નામના મહિલાએ મોડી રાતે દોઢેક વાગ્‍યે ઘરે લોખંડના પાઇપમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે કંચનબેનને મૃત જાહેર કરતાં એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પરંતુ માવતર પક્ષ દ્વારા દિકરીને ત્રાસ હોવાનો અને હત્‍યા થયાનો આક્ષેપ થતાં મૃતદેહને પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર કંચનબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ સવજી જમોડ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. મૃતકના મોટા ભાઇ હિમતભાઇ મુળજીભાઇ સરવૈયા ગોંડલના ફુલઝર ગામે રહે છે. તેમણે આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે અમે ત્રણ ભાઇ અને બે બહેનો છીએ. જેમાં કંચનબેન બીજા નંબરે હતાં. મારા બહેનને હાલમાં મારા બનેવી સવજીભાઇ સાથે કંકાસ ચાલતો હતો. બનેવી સવજીભાઇએ કોઇ અન્‍યસ્ત્રી સાથે સંબંધ હોઇ તે કારણે માથાકુટ થતાં અમારા બહેન અગાઉ રિસામણે આવ્‍યા હતાં. સમાધાન બાદ ફરી તે સાસરે ગયા હતા.

જો કે આ પછી પણ બનેવીએ આડાસંબંધ રાખવાનું ચાલુ રાખ્‍યું હતું અને મારા બહેનને તે મારકુટ પણ કરતો હતો. પરમ દિવસે મારી બહેનનો ફોન આવ્‍યો હતો કે તારા બનેવી સતત ઝઘડા કરે છે. દરમિયાન ગત રાતે મારા બનેવીનો ફોન આવ્‍યો હતો કે કંચને ગળાફાંસો ખાઇ લીધો છે. આથી અમે તાકીદે ખરેડી પહોંચ્‍યા હતાં. જો કે અમે પહોંચ્‍યા ત્‍યારે મારા બનેવીએ લાશ ઉતારી લીધી હતી. અમારા બહેનના શરીરે માર માર્યાના નિશાન હોઇ અમને શંકા છે કે બનેવીએ આડાસંબંધને કારણે મારા બહેનને માર મારી હત્‍યા કરી છે. પોલીસે આક્ષેપોને પગલે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. આ બનાવથી નવ અને પાંચ વર્ષની બે દિકરી અને પોણા ત્રણ વર્ષના દિકરાએ માતા ગુમાવતાં ગમગીની વ્‍યાપી ગઇ છે. 

 

(11:40 AM IST)