<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં આવતા લુવારિયા વીડીમાં સગર્ભા સિંહણના મોત મામલે કડક કાર્યવાહી :ફોરેસ્ટરની પાલીતાણા બદલી

લુવારિયા વીડીમાં બનેલી આ કરુણ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર સ્થાનિક ફોરેસ્ટર સામે તંત્રએ લાલ આંખ કરી

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં આવતાં લુવારિયા વીડીમાં એક ગર્ભવતી (પ્રેગ્નેટ) સિંહણના શંકાસ્પદ મોતને પગલે વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લુવારિયા વીડીમાં બનેલી આ કરુણ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર સ્થાનિક ફોરેસ્ટર સામે તંત્રએ લાલ આંખ કરી છે. તાત્કાલિક ધોરણે ફોરેસ્ટરની બદલી કરી નાખવામાં આવી છે.

 

પ્રાપ્ત અહેવાલો અનુસાર, લુવારિયા વીડીમાં સિંહણ છેલ્લા બે દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી હતી. આ અંગેની જાણકારી સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને કરી હોવા છતાં, સમયસર સારવાર કે યોગ્ય તકેદારી રાખવામાં આવી ન હતી. તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે, જવાબદાર ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હતા, જેને કારણે નિયમિત પેટ્રોલિંગનો અભાવ જોવા મળ્યો હતો. આ ગંભીર બેદરકારીના કારણે સિંહણનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.

 

 

આ ગંભીર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ સી.સી.એફ. (CCF) રામ રતન નાલાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. તપાસના ભાગરૂપે સરસિયા રેન્જના ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ એક્શન ફોર્સ ખાતે બદલી કરી દેવામાં આવી છે. આ પગલાને પગલે વન વિભાગના સ્થાનિક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે, બે દિવસ સુધી સિંહણ પીડાતી રહી છતાં વન વિભાગના સ્ટાફને કેમ જાણ ન થઈ? શું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થાય છે? સુરક્ષા વ્યવસ્થા કરવામાં ન આવતા વન તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.

(1:45 PM IST)