<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

પોરબંદર બંદરે પહોંચ્યું 'MV Merg' જહાજ: ઈરાનથી ૬૦૦૦ મેટ્રિક ટન LPGનો જથ્થો આવતા મોટી રાહત

ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઓમાન માર્ગે ભારત માટે આવ્યા સારા સમાચાર; જાવરના ગાઝ ટર્મિનલમાં ગેસનો પુરવઠો ઠાલવવામાં આવ્યો

પોરબંદર : વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધની કટોકટી વચ્ચે ભારત અને ખાસ કરીને ગુજરાત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી ઓમાન થઈને ૬ હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) ભરેલું વિશાળ મરીન ટેન્કર 'MV Merg' આજે સફળતાપૂર્વક પોરબંદરની જેટી પર આવી પહોંચ્યું છે. ખાડી યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ ગયા બાદ ભારત પહોંચેલો આ જથ્થો દેશની ગેસ વિતરણ વ્યવસ્થાને ફરી વેગવંતી બનાવવામાં અને અછત દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ આયાતી LPGના જંગી જથ્થાને પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલા ગાઝ (Gaz) LPG ટર્મિનલ ખાતે સુરક્ષિત રીતે ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ગેસ ટેન્કરોની આવક અટકી પડવાના કારણે સ્થાનિક બજારમાં રાંધણ ગેસની તીવ્ર અછત ઊભી થઈ હતી, જેના લીધે કેટલીક ખાનગી કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો ઝીંકી દીધો હતો. જોકે, આ નવા પુરવઠાના આગમનથી હવે બજારમાં ગેસની કિંમતો અને વિતરણ વ્યવસ્થા ફરી પૂર્વવત બને તેવી પૂરી સંભાવના છે.

બંદરના સત્તાવાર સૂત્રો અને આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા ૧૦ જ દિવસમાં પોરબંદરની જેટી પર કુલ ૪ જેટલા મોટા LPG ટેન્કરો આવી ચૂક્યા છે. આ તમામ જહાજો મારફતે અત્યાર સુધીમાં અંદાજે ૨૦ હજાર મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો જાવરના ટર્મિનલને ફાળવવામાં આવ્યો છે. આ ઉપલબ્ધ થયેલા કુલ જથ્થામાંથી આશરે ૧૪,૦૮,૪૫૧ જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર ભરી શકાશે, જે આગામી સમયમાં નાગરિકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતો છે.

પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, ખાડી દેશોમાં ભભૂકેલા યુદ્ધના કારણે ઈરાને સમુદ્રી માર્ગો પર અન્ય દેશોના શિપિંગ પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, જેના લીધે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત-નિકાસ ઠપ્પ થઈ ગઈ હતી. જોકે, ઓમાન જેવા વૈકલ્પિક રૂટ દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ વધારીને આ ડેડલોક તોડ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હજુ વધુ ટેન્કરો પોરબંદર આવે તેવી શક્યતા છે, જેથી ભવિષ્યમાં પણ કટોકટી ન સર્જાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

(11:24 AM IST)