News of Monday, 8th June 2026
ગોંડલ-મકનસરના પદયાત્રી કિરણબેન અને ભાનુબેનના હલેન્ડા પાસે ટ્રકની ઠોકરે ચડી જતાં મોતઃ એકને ઇજા
કોળી પરિવારના આઠ જેટલા સદસ્યો લોઠડાથી ચાલીને બળધોઇ સુરાપુરાના દર્શને જતાં હતાં: હોટલ પાસે ચા-પાણી માટે ઉભા ત્યારે ટ્રક કાળ બન્યોઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

તસ્વીરમાં બંને હતભાગી મહિલાઓ કિરણબેન અને ભાનુબેનના નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૮: રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર નજીક હલેન્ડા ગામ પાસે ગઇકાલે વહેલી સવારે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગોંડલથી પગપાળા લોઠડા ગામેથી નજીકના બળધોઇ ગામે કુકડીયા પરિવારના સુરાપુરાના દર્શને જઇ રહેલા કોળી પરિવારના પદયાત્રીઓ પૈકી બે મહિલાને ટ્રકે ઠોકરે ચડાવતાં બંનેના કમકમાટી ભર્યા મોત થયા હતાં. આ બનાવથી પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો.જાણવા મળ્યા મુજબ ગોંડલ સુરેશ્વર મંદિર પાસે રહેતાં કિરણબેન શૈલેષભાઇ ધોરીયા-કોળી (ઉ.વ.૩૨), તેના કુટુંબી સગા ગોંડલના મકનપરના ભાનુબેન લક્ષમણભાઇ ચીરોડીયા (ઉ.વ.૩૫), તેમજ બીજા કુટુંબીજનો મળી સાતેક જણા લોઠડા ગામેથી પગપાળા બળધોઇ ગામે સુરાપુરાના દર્શન કરવા જતાં હતાં. આ દરમિયાન હલેન્ડા નજીક માટેલ હોટલ પાસે આ પદયાત્રીઓ વિસામો લેવા-ચા-પાણી નાસ્તા માટે ઉભા રહ્યા હતાં. આ વખતે પુરઝડપે આવેલા ટ્રકે કિરણબેન, ભાનુબેન અને કિરણબેનના પતિ શૈલેષભાઇને ઠોકરે ચડાવી દીધા હતા.
જેમાં કિરણબેન અને ભાનુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને શૈલષેભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બંને મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેસડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવને પગલે પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિલ, હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. ઇજાગ્રસ્ત શૈલેષભાઇની ફરિયાદ પરથી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર કિરણબેન ધોરીયાના પતિ ખેત મજુરી કરે છે. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જ્યારે બીજા મૃતક ભાનુબેનના પતિ પણ ખેતી કરે છે અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. આ બનાવથી ગોંડલ, મકનસરના પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
