<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ચોટીલાના મોણપરમાં ૧૬ વર્ષની કુંજલને ગળામાં ભેદી રીતે ગંભીર ઇજા

માતા બહારથી ઘરમાં આવી ત્‍યારે દિકરી લોહીલુહાણ મળીઃ જાતે ઇજા પહોંચાડી કે અન્‍ય કંઇ બન્‍યું: નાની મોલડી પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૮: ચોટીલાના મોણપર ગામે એક ચકચાર જગાવતી ઘટના બની છે. જેમાં એક ૧૬ વર્ષની બાળા તેના ઘરમાંથી ગળામાં ગંભીર ઇજા સાથે લોહીલુહાણ મળતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. તે કંઇ બોલી શકતી ન હોઇ ઘટના શું બની? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

મોણપર રહેતી કુંજલ મુકેશભાઇ રોજાસરા (ઉ.વ.૧૬) ગઇકાલે બપોરે એકાદ વાગ્‍યે ઘરમાં ગળામાં ઇજા સાથે મળતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. કુંજલ ૧૧મા ધોરણમાં ભણે છે. તે એક ભાઇ, બે બહેનમાં નાની છે. પિતા મુકેશભાઇ સેન્‍ટીંગ કામની મજુરીએ ગયા હતાં, ભાઇ-બહેન વાડીએ હતાં અને માતા સોનલબેન બહાર કપડા ધોતાં હતાં ત્‍યારે આ ઘટના બની હતી. માતા ઘરમાં આવ્‍યા ત્‍યારે દિકરી ગળામાં ઇજા સાથે લોહીલુહાણ જોવા મળતાં દેકારો મચાવ્‍યો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતાં કુંજલને ચોટીલા અને બાદ રાજકોટ સારવાર માટે ખસેડાઇ હતી. તેણીએ કોઇ કારણે જાતે ઇજા પહોંચાડી કે બીજુ કંઇ બન્‍યું? તેની તપાસ થઇ રહી છે. 

(2:43 PM IST)