<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ગોંડલના કેશવાળામાં પાણકો મારીને માસૂમ ભાણેજને મામાએ મોતને ઘાટ ઉતાર્યો

દેવપૂજક પરિવારજનો સમાધાન માટે ભેગા થયા હતા ત્‍યારે બનાવઃ માસૂમ પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું

ગોંડલ, તા. ૮ : ગોંડલ તાલુકાના કેશવાળા ગામે પરિવારની માથાકુટમાં નાના બાળકનું મોત થતા હત્‍યાનો આરોપ લગાવવામાં આવ્‍યો હતો દરમિયાન પોલીસ સ્‍ટેશનમાંથી જાણવા મળેલી માહિતી મુજબ  મોટાદડવામાં રહેતા હંસાબેન ભનાભાઇ સોલંકી અને ભનાભાઇ કરશનભાઇ સોલંકીના ૧ર વર્ષના પુત્ર નરેન્‍દ્રની હત્‍યા થયાનું ખુલ્‍યુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેશવાળા ગામમાં રહેતા પરિવાર વચ્‍ચે નાની માથાકૂટમાં સમાધાન માટે દેવીપૂજક પરિવારજનો એકત્ર થયા હતા ત્‍યાર બાદ હંસાબેન ભનાભાઇ સોલંકી, ભનાભાઇ કરશનભાઇ સોલંકી અને તેમના પુત્ર નરેન્‍દ્ર મોટરસાયકલ ઉપર મોટાદડવા તરફ જઇ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં મૃતક નરેન્‍દ્રના મામા અને ભનાભાઇના સાળા અરવિંદ અરજણભાઇ માથાસુરીયાએ રસ્‍તામાં બાઇક ઉભુ રખાવીને પથ્‍થરનો ઘા કરીને નરેન્‍દ્રના માથા ઉપર માર્યો હતો જેમાં નરેન્‍દ્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ બનતા મૃતક પરિવારમાં ઘેરો શોક છવાયો ગયો અને મહિલાઓ બેભાન અવસ્‍થામાં આવી ગઇ હતી. મૃતક બાળકના મૃતદેહને પોસ્‍ટમોટમ માટે ગોંડલની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. અને આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.  (તસ્‍વીર માં મૃતક બાળક તથા તેમના પરિવારજનો  નજરે પડે છે. તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(3:32 PM IST)