તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 8th June 2026
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત જામનગર સીટી એ ડીવીઝન પોલીસની સરાહનીય કામગીરી: રૂ. 6.55 લાખનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
IGP નિર્લિપ્ત રાય અને SP ડો. રવી મોહન સૈનીની સૂચનાથી PI વી.એમ. ડોડીયા દ્વારા કાર્યવાહી; બે અલગ-અલગ ગુનાના ફરિયાદીઓને સોનાના દાગીના પરત મળ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૮ : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી ડો. રવી મોહન સૈની સાહેબ દ્વારા જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સમાં આપવામાં આવેલી સૂચના મુજબ જામનગર સીટી "એ" ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જામનગર શહેર નાયબ પોલીસ અધીક્ષક શ્રી જયવીરસિંહ એન. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ડોડીયા દ્વારા ચોરીના ગુનામાં કબજે કરાયેલો કુલ રૂ. 6,55,600/- નો મુદ્દામાલ મૂળ ફરિયાદીઓને સહીસલામત પરત સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11202008250615/2026 બી.એન.એસ. કલમ 305(એ), 331(3), 331(4) મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે આરોપીઓને અટક કરી તેમની પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. આ કેસના ફરિયાદી અલ્તાફભાઈ ગનીભાઈ સમા, ઉં.વ. 52, રહે. સનમ સોસાયટી, ખડી હોલ પાસે, જામનગરવાળાએ નામદાર કોર્ટમાં પોતાના સોનાના દાગીના છોડાવવા માટે અરજી કરતા તેમને પોલીસ સ્ટેશન બોલાવી તેમના કુલ રૂ. 4,05,100/- ના સોનાના દાગીના પરત સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જ ગુ.ર.નં. 11202008250482 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305(એ), 331(3) મુજબ બીજો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પણ આરોપીઓને પકડી તેમની પાસેથી સોનાના દાગીના તથા રોકડ રકમ કબજે કરાયા હતા. આ કામના ફરિયાદી વર્ષાબેન વા/ઓ પ્રભુદાસભાઈ રતીલાલભાઈ લુક્કા, જાતે લોહાણા, ઉં.વ. 52, ધંધો ઘરકામ, રહે. મોહનનગર મેઈન રોડ, બી 50, જય જલારામ મકાન, જામનગરવાળાને નામદાર કોર્ટના હુકમ મુજબ તેમના કુલ રૂ. 2,50,500/- ના સોનાના દાગીના સહીસલામત પરત કરવામાં આવ્યા હતા.
જામનગર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ ચોરી, લૂંટ કે અન્ય ગુનાઓમાં ગયેલો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી બાદ મૂળ માલિકોને પરત કરવાની કામગીરી સતત ચાલુ છે. આ કામગીરીથી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને પોલીસની છબી વધુ ઉજળી બની છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
