News of Monday, 8th June 2026
વાદળછાયા આકાશ વચ્ચે ભાવનગરમાં અસહ્ય ઉકળાટ: પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત, બફારાથી લોકો તોબા પોકારી ગયા
અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધીને ૪૯ ટકાએ પહોંચી ગયું

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં હવામાનમાં આવેલા ભારે પલટા વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો છે. આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવા છતાં સૂર્યદેવના આકરા મિજાજ અને હવામાં ભેજના ઊંચા પ્રમાણને કારણે સમગ્ર ભાવનગર પંથક અસહ્ય ઉકળાટની ભઠ્ઠીમાં શેકાયું હતું. દિવસ દરમિયાન ફૂંકાયેલા તેજ પવનો પણ લોકોને ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા અને આજે મહત્તમ તાપમાનનો પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચી જતાં અસહ્ય ગરમી તેમજ બફારાના બેવડા મારથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. સામાન્ય રીતે વાદળછાયું આકાશ થતાં ગરમીમાં રાહત મળતી હોય છે, પરંતુ આજે તેનાથી ઉલટી જ સ્થિતિ સર્જાઈ હતી અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધીને ૪૯ ટકાએ પહોંચી ગયું હતું. વાદળોના કારણે જમીનની ગરમી હવામાં પરાવર્તિત થઈ ન શકતા અને હવામાં ભેજનું પ્રમાણ ઊંચું હોવાના લીધે અસહ્ય બફારો અનુભવાયો હતો, જેને કારણે સવારથી જ લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને બપોરના સમયે રાજમાર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી.
ગરમીની સાથે આજે દિવસભર પવનની ગતિ પણ તેજ રહી હતી અને શહેરમાં સરેરાશ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, પરંતુ વાતાવરણમાં રહેલી લૂ અને ગરમ હવાને કારણે આ તેજ પવન પણ લોકોને રાહત આપવાને બદલે અકળામણ વધારનારો સાબિત થયો હતો જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવસના આકરા તડકા બાદ રાત્રિના સમયે પણ લોકોને ગરમીમાંથી મુક્તિ મળી રહી નથી અને આજે ભાવનગરનું લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું એટલે કે ૨૯.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે રાત્રિના સમયે પણ પવન શાંત પડતાં જ બફારો વધી જતો હોવાથી લોકો મોડી રાત સુધી ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે.
આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ, લઘુતમ તાપમાન ૨૯.૦ ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને પવનની ગતિ ૩૦ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. ચોમાસાની ઋતુના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાદળો ઘેરાઈ રહ્યા છે પરંતુ વરસાદ ન પડતાં ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે અને ગરમીથી તોબા પોકારી ગયેલા ભાવનગરના અબાલ-વૃદ્ધ સૌ કોઈ હવે આ અસહ્ય અકળામણમાંથી મુક્તિ મેળવવા માટે વહેલી તકે મેઘરાજા પધારે અને ધરતીને તૃપ્ત કરે તેવી ચાતક નજરે પ્રતીક્ષા કરી રહ્યા છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
