News of Monday, 8th June 2026
જામનગરના ધુડશીયા ગામની સીમમાં ચાલતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ :314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત :આરોપીની અટકાયત : જુઓ વિડિયો
આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર તરીકે રાજકોટના પરેશ વણપરિયા નામના શખ્સની સંડોવણી બહાર આવી

જામનગર નજીક આવેલા ધૂડશિયા ગામની સીમમાં પોલીસે એક સફળ દરોડો પાડીને મોટા પાયે ચાલતા નકલી ઘીના કારોબારને ખુલ્લો પાડ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને આર્થિક નફો રળવાના આ કાળા કારોબાર પર પંચકોશી એ ડિવિઝન પોલીસે ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પંચકોશી એ ડિવિઝન પોલીસને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધૂડશિયા ગામની સીમમાં ભેળસેળયુક્ત ઘી બનાવીને તેને અસલી તરીકે બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સચોટ આયોજન કરીને શંકાસ્પદ સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી આશરે 314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.57 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર તરીકે રાજકોટના પરેશ વણપરિયા નામના શખ્સની સંડોવણી બહાર આવી છે, જેની પોલીસે ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લીધી છે. આ નકલી ઘીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો, તે દિશામાં પોલીસ ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે. આ સાથે જ પોલીસે તાત્કાલિક અસરથી સરકારી ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘીના નમૂના લીધા છે અને આ શંકાસ્પદ ઘીને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાનૂની પગલાં લેવાશે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
