News of Monday, 8th June 2026
કચ્છ કોંગ્રેસની કડક કાર્યવાહી :પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ૩ દિગ્ગજ આગેવાનોને 6 વર્ષ માટે સસ્પેન્ડ
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોટો નિર્ણય લીધો:પ્રમુખ વી.કે. હુમ્બલના આદેશથી વિક્રમસિંહ જાડેજા, જશુભા જાડેજા અને જુમાભાઈ સમાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષમાં શિસ્ત જાળવી રાખવા માટે એક અત્યંત કડક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને આંતરિક જૂથબંધી પ્રોત્સાહિત કરનારા 3 અગ્રણી આગેવાનોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.
મળતી સત્તાવાર માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષમાંથી જે ત્રણ વરિષ્ઠ આગેવાનો સામે હકાલપટ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં વિક્રમસિંહ ગુલાબસિંહ જાડેજા, જશુભા ટપુભા જાડેજા અને જુમાભાઈ સમાનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા હોવા છતાં પક્ષે શિસ્તભંગ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાનું વલણ અપનાવ્યું છે.
આ નેતાઓ સામે સસ્પેન્શનનો આદેશ કેમ જાહેર કરાયો તેનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ દરમિયાન આ આગેવાનોએ પક્ષના સત્તાવાર ઉમેદવારોને મદદ કરવાને બદલે પડદા પાછળ રહીને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે પક્ષની આંતરિક સમિતિ દ્વારા તપાસ કર્યા બાદ આખરે ત્રણેય નેતાઓને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત અને સસ્પેન્શન લેટર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલના હસ્તાક્ષરે બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પક્ષની શિસ્ત સર્વોપરી છે અને તેને નુકસાન પહોંચાડનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં. આ આખા નિર્ણય અને કડક કાર્યવાહી અંગેની વિગતવાર જાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને પણ લેખિતમાં કરી દેવામાં આવી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
