<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

કચ્છના નિરોણા અનામત જંગલ વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ : 180 હેક્ટર પરનું ખેતી વિષયક દબાણ દૂર કરી દેવાયું

નિરોણા અનામત જંગલ વિસ્તારમાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ડિમોલિશન ડ્રાઈવ :તમામ 300 હેક્ટર જંગલની જમીન સંપૂર્ણપણે પ્રશાસન હસ્તક મેળવી લેવાશે

કચ્છ જિલ્લાના નિરોણા અનામત જંગલ વિસ્તારમાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.અહીં વર્ષોથી જંગલની કિંમતી જમીન પર થઈ ગયેલા મોટા પાયાના દબાણો હટાવવાની કામગીરીનો આજથી વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.આ ઓપરેશનના પ્રથમ દિવસે જ તંત્રએ આક્રમક વલણ અપનાવીને અંદાજે 180 હેક્ટર જેટલી જમીન પરથી ગેરકાયદેસર રીતે કરાયેલું ખેતીવિષયક દબાણ સંપૂર્ણપણે દૂર કરી દીધું છે.

સરકારી રેકોર્ડ અનુસાર આ વિસ્તારમાં કુલ 1680.74 હેક્ટર જેટલો અનામત જંગલ વિસ્તાર આવેલો છે.જેમાંથી આશરે 300 હેક્ટર જેટલી જમીન છેલ્લા 30 વર્ષ જેટલા લાંબા સમયથી દબાણકારોના ગેરકાયદેસર કબજા હેઠળ હતી.વન વિભાગની જમીનને ખુલ્લી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી હતી.આ ઓપરેશન દરમિયાન કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

આ વિશાળ દબાણ હટાવવાની કામગીરી માટે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા 20 જેટલા જેસીબી (JCB) મશીનો અને 15 ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી હતી.ભારે મશીનરીના ઉપયોગથી ગેરકાયદેસર દબાણો પળવારમાં જમીનદોસ્ત કરી દેવાયા હતા. આગામી દિવસોમાં બાકી રહેતી જમીન પરથી પણ દબાણ હટાવીને તમામ 300 હેક્ટર જંગલની જમીન સંપૂર્ણપણે પ્રશાસન હસ્તક મેળવી લેવાશે.જેને પગલે ભૂમાફિયાઓ અને દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(11:34 PM IST)