<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

16 જૂનથી 4 મહિના માટે સાસણ ગીર સફારી પ્રવાસીઓ માટે બંધ રહેશે : સિંહોના સંવનન કાળને લઈ વન વિભાગનો મહત્વનો નિર્ણય

ચોમાસા અને સિંહોના સંવનન કાળને ધ્યાને લઈ વન વિભાગે લીધો નિર્ણય, 16 જૂનથી 15 ઓક્ટોબર 2026 સુધી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી સંપૂર્ણપણે બંધ; પ્રવાસીઓ સિંહ દર્શન નહીં કરી શકે, દેવળીયા પાર્ક ચાલુ રહેશે

જૂનાગઢ, તા. 9 : એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર જંગલમાં 16 જૂન 2026થી 15 ઓક્ટોબર 2026 સુધી ચાર મહિના માટે સાસણ ગીર સફારી પ્રવાસીઓ માટે બંધ રહેશે. સિંહોના સંવનન કાળ અને ચોમાસાની ઋતુને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

વન વિભાગના જણાવ્યા મુજબ, જૂનથી ઓક્ટોબર સુધીનો સમયગાળો સિંહોનો સંવનન કાળ હોય છે. આ સમય દરમિયાન જંગલમાં સિંહોને શાંત વાતાવરણ મળી રહે અને ચોમાસામાં જંગલના કાચા રસ્તાઓ ખરાબ થઈ જતા હોવાથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ સફારી બંધ રાખવામાં આવે છે.

 

આ સમયગાળા દરમિયાન સાસણ ગીર જંગલ સફારીની સાથે ગિરનાર જંગલ સફારી પણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી પ્રવાસીઓ આ ચાર મહિના દરમિયાન સિંહ દર્શન કરી શકશે નહીં. જોકે સાસણ ખાતે આવેલ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ રહેશે, જ્યાં પાંજરામાં બંધ વન્યજીવોને નિહાળી શકાશે.

 

વન વિભાગ દ્વારા જણાવાયું છે કે 16 ઓક્ટોબર 2026થી સાસણ ગીર જંગલ સફારી ફરીથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. દર વર્ષે લાખો દેશ-વિદેશના પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શન માટે આવતા હોય છે.

(3:51 PM IST)