<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઈશ્વરિયા ગામમાં પુરુષોત્તમ માસની ભક્તિભર્યા માહોલમાં ઉજવણી : નીલકંઠ મહાદેવ શિવમંદિર પરિસરમાં ભાવિક મહિલાઓ દ્વારા કાંઠાગોરની આરતી અને વિશેષ પૂજન આરાધના

સનાતન હિન્દુ પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતા પવિત્ર અધિક માસનું ધાર્મિક અને ખગોળીય ગણિતની દ્રષ્ટિએ ભારે મહાત્મ્ય : નદી કિનારે અને ધર્મ સ્થાનોમાં રેતીની પાંચ ઢગલીઓ કરી બહેનો દ્વારા થઈ રહેલી વિશેષ વંદના

 ઈશ્વરિયા, મંગળવાર તા. ૯ જૂન: સનાતન હિન્દુ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસ. આપણાં શાસ્ત્રો સાથે ભારતીય સંસ્કૃતિ અને અનન્ય ભક્તિભાવ જોડાયેલ છે, જેના કારણે આ પવિત્ર માસમાં સૌ કોઈ શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાઈ જાય છે. આ ધાર્મિક પર્વ નિમિત્તે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ગામની ભાવિક અને આસ્થાળુ મહિલાઓ દ્વારા દરરોજ નિયમબદ્ધ રીતે પૂજન આરાધના અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવી રહ્યા છે.

 ખગોળીય ગણિત અને ધાર્મિક મહાત્મ્યનો સમન્વય

ખગોળીય ગણિત અને મહિનાઓની ગણતરીને વર્ષ સાથે સાંકળવામાં આ માસ વધારાનો ગણાય છે, પરંતુ સનાતન શાસ્ત્રમાં તેને પુરુષોત્તમ માસ તરીકે સર્વોચ્ચ અને પવિત્ર સ્થાન આપી ભારે મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. આ પવિત્ર માસ દરમિયાન ધાર્મિક પરંપરા અનુસાર બહેનો દ્વારા નદી કિનારે અથવા વિવિધ ધર્મ સ્થાનોમાં એકત્રિત થઈને રેતીની પાંચ ઢગલીઓ કરવામાં આવે છે અને તેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરીને આરતી વંદના કરવામાં આવતી હોય છે.

 નીલકંઠ મહાદેવ મંદિરે આસ્થાનો ઘોડાપૂર

ઈશ્વરિયા ગામમાં આવેલા પવિત્ર નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ગામની આસ્થાળુ બહેનો અને મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક આરાધના થઈ રહી છે. મંદિરના શિવમંદિર પરિસરમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને કાંઠાગોરની ભાવપૂર્વક આરતી વંદના કરે છે. સમગ્ર શિવમંદિર પરિસર ભક્તિમય મંત્રોચ્ચાર અને આરતીના નાદથી ગુંજી ઉઠ્યું છે અને ભક્તો આ પવિત્ર માસમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:54 PM IST)