News of Tuesday, 9th June 2026
કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરના કાળિયાબીડ સહિતના અનેક મુખ્ય રહેણાંક વિસ્તારોમાં સતત 3 દિવસ સુધી વીજકાપ ઝીકાયો
વીજ લાઈનોની મરામત અને પ્રિ-મોન્સૂન મેઇન્ટેનન્સની કામગીરી માટે સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે સતત 7 કલાક સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે

ભાવનગર: શહેરમાં એકબાજુ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે બીજીબાજુ PGVCL દ્વારા શહેરીજનો માટે એક મુશ્કેલીભર્યા સમાચાર સામે આવ્યા છે. ભાવનગરના કાળિયાબીડ સહિતના અનેક મુખ્ય રહેણાંક વિસ્તારોમાં આવતીકાલથી સતત 3 દિવસ સુધી વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વીજ લાઈનોની મરામત અને પ્રિ-મોન્સૂન મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવા માટે આ નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે સતત 7 કલાક સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેના કારણે ગરમીના દિવસોમાં લોકોએ ભારે અકળામણ વેઠવી પડશે.
વીજ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર શિડ્યુલ અનુસાર, અલગ-અલગ વિસ્તારોમાં તબક્કાવાર પાવર કટ રહેશે:
- આવતીકાલે (પ્રથમ દિવસે): વાળંદ સોસાયટી, તુલસી પાર્ક, વિરાણી સ્કૂલ, આલેખ કોમ્પ્લેક્ષ, આનંદહોલ, તેમજ વિરાણીથી લઈને લખુભા હોલ સુધીના તમામ વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.
- ગુરુવારે (બીજા દિવસે): સીદસર રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, હિલપાર્ક, રાજપથ, ઓઝ સ્કૂલ, તત્વમ સ્કૂલનો આસપાસનો વિસ્તાર તેમજ સીદસરથી ચિત્રા રોડ સુધીના વિસ્તારો અંધારપટમાં રહેશે.
- શુક્રવારે (ત્રીજા દિવસે): જ્ઞાનમંજરી સ્કૂલ, નંદનવન, મહાવીરનગર, સરદાર પટેલ સ્કૂલ અને હરિઓમનગર સહિતના બાકીના વિસ્તારોમાં વીજકાપ અમલી રહેશે.
ઉનાળાની સિઝન જ્યારે પોતાના અંતિમ ચરણમાં છે અને તાપમાનનો પારો ઊંચો છે, ત્યારે સવારના સમયે જ 7-7 કલાક સુધી લાઈટો ગુલ થવાના કારણે ગૃહિણીઓ, નાના વેપારીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. સ્થાનિક નાગરિકોમાં વીજ કંપનીની આ આયોજન વગરની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ભરઉનાળે વારંવાર વીજકાપના કારણે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
