<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

હળવદના વીરજી વોરા વાવના રોડ કામને લઈને વેપારીઓએ કર્યો હોબાળા

૪૦ દિવસથી ખોદી નાખેલ રોડથી અનેક વેપારીઓના ધંધા ઠપ્‍પ

 ( દીપક જાની દ્વારા) હળવદ : તા.૧૦:હળવદ શહેરમાં રસ્‍તો બનાવવા  ની ઠાગા ઠથૈયા કરું છું ને ચાચૂડી ઘડાવું છું તેવી કામગીરી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરા ચોકડીથી ત્રણ રસ્‍તા સુધી કરોડો રૂપિયાના ખર્ચે રોડની કામગીરી છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહી છે. ત્‍યારે સરા નાકા વિસ્‍તારમાં વીરજી વોરા વાવ રોડ પર છેલ્લા ૪૦ દિવસથી રોડ ખોદી રાખવામાં આવતા ૩૦૦થી વધુ દુકાનદારોના ધંધા પર માઠી અસર પડી છે. ગ્રાહકોની અવરજવર ઘટતા વેપારીઓ આજે રસ્‍તા પર ઉતરી વિરોધ નોંધાવ્‍યો હતો અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી.

હળવદના મુખ્‍ય વ્‍યાપારી વિસ્‍તાર સરા નાકા ખાતે રોડની કામગીરી લાંબા સમયથી અધૂરી રહેતા વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે. વેપારીઓના જણાવ્‍યા મુજબ છેલ્લા ૪૦ દિવસથી રોડ ખોદી રાખવામાં આવ્‍યો છે, જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. ધૂળ, કાદવ અને અવરજવરની મુશ્‍કેલીના કારણે ધંધા-રોજગારમાં ભારે ઘટાડો નોંધાયો છે.

વેપારીઓનો આક્ષેપ છે કે આશરે ૨૦૦ થી વધુ દુકાનોને સીધી અસર પહોંચી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરીમાં ઝડપ લાવવામાં આવી નથી. બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી વરસાદ પડ્‍યા બાદ સ્‍થિતિ વધુ વિકટ બનવાની ભીતિ પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

વેપારીઓએ ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલા રોડની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. સાથે જ નગરપાલિકા તંત્ર તાત્‍કાલિક કામગીરી પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે.

હળવદમાં કરોડોના ખર્ચે ચાલી રહેલી રોડ કામગીરી હવે વેપારીઓ માટે માથાનો દુખાવો બની છે. ૧૦ મહિનાથી ચાલતી કામગીરી અને છેલ્લા ૪૦ દિવસથી ખોદાયેલા રોડના કારણે વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે. હવે ચોમાસા પહેલા નગરપાલિકા કામગીરી પૂર્ણ કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે

(10:34 AM IST)