<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ભચાઉ નજીક હાઈવે પર ટ્રકનો ગમખ્વાર અકસ્માત : કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું

અકસ્માતના આંચકાને કારણે ડ્રાઈવરના બંને પગ કેબિનમાં લોખંડના ભાગ નીચે દબાઈ ગયા તે બહાર નીકળવા માટે અસમર્થ હતો અને પીડાથી કણસી રહ્યો હતો

કચ્છ જિલ્લાના ભચાઉથી ગાંધીધામ તરફ જતા હાઈવે પર એક ટ્રક અકસ્માત થયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત ભચાઉથી અંદાજે 5 કિલોમીટર દૂર થયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર જાણકારી આપતા ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

 

ટ્રક અકસ્માત બાદ ડ્રાઈવર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતના આંચકાને કારણે ડ્રાઈવરના બંને પગ કેબિનમાં લોખંડના ભાગ નીચે દબાઈ ગયા હતા. તે બહાર નીકળવા માટે અસમર્થ હતો અને પીડાથી કણસી રહ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિને જોતા ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશનની શરૂઆત કરી હતી.

 

 

ભચાઉ ફાયર વિભાગના જવાનોએ ખાસ સાધનો અને આધુનિક રેસ્ક્યૂ ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો. અકસ્માતગ્રસ્ત ટ્રકની કેબિનને કાળજીપૂર્વક કાપવામાં આવી હતી. લગભગ 1-2 કલાકની ભારે જહેમત બાદ જવાનોએ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જીવિત હાલતમાં બહાર આવતા જ હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

 

સ્થાનિક ટીમ અને ફાયર જવાનોએ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર લાવતા જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે. હાઈવે પર અકસ્માતને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી.

 

(11:39 AM IST)